અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલો પ્રખ્યાત સુનસર ધોધ ભારે વરસાદ બાદ ફરી એકવાર જીવંત થયો છે. રાત્રિ દરમિયાન ખાબકેલા ધોધમાર વરસાદને કારણે ધોધમાંથી ખડખડ પાણી વહેતું થયું છે. ભારતમાતા મંદિર પાસે આવેલો આ ધોધ ભિલોડાનું એક લોકપ્રિય આકર્ષણ છે. દર વર્ષે વરસાદની ઋતુમાં ધોધ જીવંત થતાં જ સહેલાણીઓની ભીડ ઉમટી પડે છે. આ વખતે પણ પાણીનો જોરદાર પ્રવાહ જોવા માટે પ્રવાસીઓ અહીં પહોંચી રહ્યા છે. સ્થાનિક વહીવટી તંત્રએ સહેલાણીઓને સુરક્ષિત રીતે ધોધની મુલાકાત લેવા અને વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખવા અપીલ કરી છે.
ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલું સુણસર ગામ કે જે મિનિ કાશ્મીર તરીકે પ્રસિદ્ધ છે. છેલ્લા 24 કલાકમાં ભિલોડા તાલુકામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદના કારણે અરવલ્લીની ગિરિમાળાઓમાં 250 ફૂટ ઊંચેથી પડતો સુનસર ગામમાં આવેલો પ્રસિદ્ધ સુનસર ધોધ સીઝનમાં પહેલીવાર જીવંત બન્યો છે.