કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. મોડાસામાં રાહુલ ગાંધીએ બુથ સમિતિ કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો.ગુજરાતમાં કોંગ્રેસના લડાયક મૂડ વિશે સંકેત આપી દીધા. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના કાર્યકરો-નેતાઓના વખાણ કરતાં તેમને મજબૂત ગણાવ્યા હતા.
રાહુલ ગાંધીએ મોડાસામાં કહ્યું કે, ગુજરાતમાં અમારી પાસે ખૂબ મજબૂત કાર્યકર્તા છે. દેશમાં શું ચાલી રહ્યું છે એ બધાં જાણે છે. દેશમાં બેરોજગારી વધી રહી છે પરંતુ, બે-ત્રણ અબજોપતિને બધી સંપત્તિ આપવામાં આવી રહી છે. તમે જ મોકલેલા છે. તેમના માટે બધી જ સુવિધા છે. જે એમને જોઈએ તે તેમને મળી જાય છે. ભલે તે એરપોર્ટ હોય, પોર્ટ હોય, સિમેન્ટ હોય, ઈન્ફ્રાસ્ટ્ર્કચર હોય બધું તેમના હાથમાં જઈ રહ્યું છે અને ગુજરાત સહિત આખા દેશની જનતા બસ જોઈ રહી છે.
મહિલાઓને પણ સ્થાન મળશે
રાહુલ ગાંધીએ મોડાસામાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કરતા કહ્યું કે, અમે તે લોકોને તક આપવા માંગીએ છીએ જેમની અંદર લીડરશિપ પ્રોટેન્શીયલ છે. તમે ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ છો અને તમે ડિસ્ટ્રીક્ટની મીટિંગમાં નથી જતા તો તે કોંગ્રેસ પાર્ટીની ચૂંટણી નથી લડી શકતો. જે લોકો કામ કરે છે તેમના માટે કોંગ્રેસ પાર્ટીના દરવાજા ખુલશે અને જે લોકો કામ કરવા માંગતા નથી તેમના માટે કોંગ્રેસ પાર્ટીના દરવાજા ધીમે ધીમે બંધ થઇ જશે."
કોંગ્રેસના નેતાએ વધુમાં કહ્યું કે, અમે નક્કી કર્યું છે કે મહિલાઓને જગ્યા મળશે. થોડા દિવસ પહેલા કેટલાક ડિસ્ટ્રીક્ટ પ્રેસિડેન્ટને મળ્યો છું પણ એક પણ મહિલા તેમાં નહતી. આ બદલાવ તમને જલદી જોવા મળશે. અમે ઇચ્છીએ છીએ કે વધુમાં વધુ મહિલાઓ ભાગ લે.
કોંગ્રેસ જ ભાજપ-RSSને હરાવી શકે છે- રાહુલ ગાંધી
દિલ્હીમાં અમે વરિષ્ઠ નેતાઓએ બેસીને એ વાત પર મંથન શરૂ કર્યું છે કે કોંગ્રેસને હવે કેવી રીતે મજબૂત કરવી. વિચારધારાની લડાઈ છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે. બધા જાણે છે કે કોંગ્રેસ જ છે જે ભાજપ અને આરએસએસને હરાવી શકે છે.
દિલ્હીમાં અમે વરિષ્ઠ નેતાઓએ બેસીને એ વાત પર મંથન શરૂ કર્યું છે કે કોંગ્રેસને હવે કેવી રીતે મજબૂત કરવી. વિચારધારાની લડાઈ છે. વિચારધારાની ફક્ત બે જ પાર્ટી છે. ભાજપ અને કોંગ્રેસ. તેથી લડાઈ ફક્ત અમારા બે વચ્ચે છે અને બધા જાણે છે કે કોંગ્રેસ જ છે જે ભાજપ અને RSSને હરાવી શકે છે. જો અમારે આરએસએસ અને ભાજપને દેશમાં હરાવવી છે તો રસ્તો ગુજરાતમાંથી પસાર થાય છે. અમારી પાર્ટી ગુજરાતથી શરૂ થઈ છે. અમારા સૌથી મોટા નેતા મહાત્મા ગાંધી ગુજરાતે અમને આપ્યા છે, સરદાર પણ ગુજરાતે આપ્યા. અમારી પાર્ટી અને અમારી વિચારધારા પણ અહીંથી શરૂ થઈ છે.
રેસના ઘોડાને દોડાવીશું અને વરઘોડાના ઘોડાને નચાવીશું: રાહુલ ગાંધી
છેલ્લાં ઘણાં સમયથી અમારી પાર્ટી નિરાશ જોવા મળે છે. ગુજરાતમાં નિરાશા જોવા મળી રહી છે. એવું લાગે છે કે, આ ખૂબ મુશ્કેલ કામ છે. પરંતુ, હું તમને અહીં જણાવવા આવ્યો છું કે, આ કોઈ અઘરૂ કામ નથી. આપણે ગુજરાતમાં આ કામ કરીને રહીશું. અમે નિર્ણય લીધો છે કે, કોંગ્રેસ પાર્ટીમાં થોડા બદલાવની જરૂર છે. જિલ્લાના સિનિયર નેતાઓ સાથે વાતચીતમાં મને જાણવા મળ્યું કે, અહીં લોકલ નેતાઓને ટિકિટ વહેંચણીના નિર્ણયમાં સામેલ કરવામાં નથી આવતાં. મને જણાવ્યું કે, ખબર નહીં ટિકિટ ક્યાંથી આવી? જાણે આકાશમાંથી ટપકીને આવી જતી હોય. બીજી વાત મેં પહેલાં કહ્યું હતું કે, બે પ્રકારના ઘોડા હોય છે એક રેસનો અને બીજો વરઘોડાનો ઘોડો પરંતુ, ત્રીજો ઘોડો પણ હોય છે જે લંગડો છે. હવે અમે આ ઘોડાને થોડા અલગ કરવા ઈચ્છીએ છીએ. રેસના ઘોડાને અમે દોડાવીશું અને વરઘોડાના ઘોડાને નચાવીશું.
ધારાસભ્ય-સાંસદને આપ્યો સંકેત
વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે, સંગઠન અને ચૂંટણી લડનારા વચ્ચે કનેક્શન હોય. આજકાલ એવું થાય છે કે, કોંગ્રેસનું સંગઠન ચૂંટણી જીતાડે છે અને એકવાર વ્યક્તિ ધારાસભ્ય, સાંસદ બની જાય પછી તે સંગઠનને ભૂલી જાય છે અને કહે છે તમે જાણો અને તમારૂ કામ જાણે. તેથી હવે અમે સંગઠનના માધ્યમથી લોકોની પસંદગી કરીશું. આ અમારો ગુજરાતમાં પહેલો પ્રોજેક્ટ છે. ગુજરાતમાં તેને ટેસ્ટ કરવામાં આવશે. કારણ કે, ગુજરાત અમારા માટે સૌથી જરૂરી પ્રદેશ છે. અમારી લડાઈ વિચારધારાની છે જે ગુજરાતમાં અમે લડીશું અને જીતીશું.