
ગુજરાતના મોટાભાગના જિલ્લામાં શુક્રવારે (30 મે) 50થી 60 કિલોમીટર પ્રતિ ગતિએ પવન ફૂંકાવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, રવિવારથી રાજ્યમાં વરસાદની સંભાવના નથી.
35 તાલુકામાં નોંધાયો વરસાદ
ગુરૂવારે ગુજરાતના 35 જેટલા તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેમાં ડાંગમાં સૌથી વધુ 1 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. આ સિવાય ભરૂચના ઝઘડિયા-ભરૂચ શહેર-વારિયા હાંસોટ, ડાંગના સુબિર-વઘઈ, તાપીના સોનગઢ, વડોદરાના કરજણ, મહેસાણાના સતલાસણામાં અડધા ઈંચથી વધુ વરસાદ પડયો હતો.
મહેસાણા, પાટણ, બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલ્ટો
હવામાન વિભાગની આગાહી મુજબ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતે એકાએક વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો. જોતજોતામાં સુસવાટા મારતા પવન અને ગાજવીજ સાથે સર્વત્ર ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નીચાળવાળા વિસ્તારોમાં ઢીંચણ સમાન વરસાદી પાણીનો ભરાવો થતાં સ્થાનિક લોકોને વ્યાપક હાડમારીઓ ભોગવવાનો વારો આવ્યો હતો.
બીજી બાજુ વહેલા વરસાદના કારણે ડાંગરના પાકમાં નુકસાન થતાં મોંઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. આંબાવાડીઓમાં મધીયાનો રોગ લગતા કેરીનો પાક પણ નિષ્ફળ જતા ત્રણેય બાજુ ખેતીવાડીમાં નુકસાનથી જગતના તાત ખેડૂતોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો છે.