
બનાસકાંઠાના થરામાં યુવકનું અપહરણ કરનાર પાંચ આરોપીઓને પોલીસે ગણતરીના કલાકામાં દબોચી લીધા છે. મિત્રએ જ સસ્તામાં સોનુ આપવાનું કહી મિત્રનું અપહરણ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બનાસકાંઠાના પાલનપુર ખાતે રહેતા મિત્ર કિરણ ઠાકોરે ફરિયાદી ભાવેશને 100 ગ્રામ સોનાનું બિસ્કીટ 5 લાખમાં લાવી આપવાની લાલચ આપી હતી. આમ મિત્રની લાલચમાં આવી સોનું ખરીદવા તૈયાર થઈ ગયો હતો.
પાંચ લાખ રૂપિયા લઇ ફરિયાદી મિત્ર સોનું ખરીદવા નક્કી કરેલા સ્થળે પહોંચી ગયો હતો. પરંતુ સોનું આપવા આવેલા કિરણ સહીતના શખ્સઓએ ભાવેશનું અપહરણ કરી લીધુ હતું. ગાડીમાં બેસાડી અજાણ્યા રસ્તાઓ પર લઇ ગયા અને બાદમાં તેની પાસે રહેલા પાંચ લાખ રૂપિયા લૂંટી લઈ છોડી દીધો હતો.
પોલીસે 4.97 લાખનો મુદ્દામાલ પણ રિકવર કર્યો
આ સમગ્ર બનાવ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પરિણામે પોલીસે અપહરણ કરી લૂંટ કરનાર શખ્સોને પકડવા તપાસ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે ભોગ બનનાર યુવકના મિત્ર સહિત પાંચ લોકોને ઝડપી પાડ્યા છે. સાથે 4.97 લાખનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.