
Banaskantha News: જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે ગુજરાતની એક બસ ફસાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરના ૩૦ અને પાલનપુરના ૨૦ મુસાફરો બસમાં સવાર હતા. જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં ગુજરાતની બસ ફસાયાની બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે માહિતી આપી હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે કહ્યું મુસાફરો શ્રીનગરથી પરત ફરી રહ્યા હતા અને ખરાબ હવામાનને કારણે બસ ફસાઈ છે.
બનાસકાંઠા કલેક્ટરે રામબનના કલેક્ટર તેમજ બસમાં સવાર મુસાફરોમાંના સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી. જિલ્લા વહીવટીતંત્ર રામબનની ટીમ બચાવ કામગીરીમાં મદદ કરવા માટે રવાના થઈ હોવાની માહિતી મળી રહી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના જણાવ્યા અનુસાર, બધા મુસાફરો સુરક્ષિત છે ખરાબ હવામાનને કારણે બસ ફસાઈ ગઈ છે. હાલ પૂરતું, તેમને રાત્રિ આશ્રય માટે સલામત મકાનમાં ખસેડવામાં આવશે. સવારે, જિલ્લા વહીવટીતંત્ર બસને બનિહાલ તરફ ખસેડવાનો પ્રયાસ કરશે.
આ મુદ્દે શક્તિસિંહ ગોહિલે એક્સ પર પોસ્ટ શેર કરી
જમ્મુ અને કાશ્મીરના રામબનમાં આજે વાદળ ફાટવાની ઘટના બની હતી. જેમાં 3 લોકોનાં મૃત્યુ થયા છે. ખરાબ હવામાનના કારણે ગુજરાતથી ત્યાં ગયેલી 50 મુસાફરો ભરેલી બસ પણ ત્યાં ફસાઈ હતી . આ બસમાં 30 મુસાફરો ગાંધીનગર અને 20 પાલનપુરના હતા. આ ખબર મળતા જમ્મુ કાશ્મીરના અમારા સ્થાનિક નેતાઓ સાથે વાત કરી હતી અને તાત્કાલિક પોલીસ તથા આર્મીની મદદ મળતા હાલ મુસાફરો શ્રીનગર પરત ફરી રહ્યા છે. કોઈ જરૂરિયાત હોય તો પરિવારજનો કે મુસાફરોને મારો સંપર્ક કરવા વિનંતી
આ મામલે કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી
જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા વડગામના લોકો બાબતે ધારાસભ્ય વડગામ જીજ્ઞેશ મેવાણીનો મેસેજ સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વણકર સમાજના અને અન્ય સમાજના જે લોકો જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા છે એ મુદ્દે હાલ જ મારી ત્યાંના IAS અધીકારી શ્રી બશીર સાથે વાત થઈ. તેમણે કહ્યું કે, અમને સાંજથી આ લોકો તકલીફમાં છે એનો મેસેજ મળી ગયો છે, ખાસ કોઈ ચિંતા જેવું નથી, 10:30 સુધીમાં આર્મી અને પોલીસની ટીમ પહોંચી જશે અને જે પણ જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવશે અને અન્ય સુરક્ષિત રસ્તેથી બહાર કાઢવામાં આવશે. થોડો સમય લાગશે પણ બધા હેમખેમ પરત ફરશે. ત્યાંના કોંગ્રેસ પક્ષના અન્ય સાથીઓને પણ જરૂર પડ્યે મદદ માટે દોડી જવા કહ્યું છે.