
ગુજરાતભરમાં છેલ્લા કેટલાક સમયથી તંત્ર ઉંઘમાંથી જાગ્યું હોય તેમ તમામ જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર લોકો પર કાર્યવાહી કરી રહ્યું છે. તેમાં પણ ખાસ ખાદ્યપદાર્થોનું વેચાણ અને ઉત્પાદન કરતી પેઢીઓ પર ફૂડ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી રહી છે. થોડા સમયમાં જ અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બરોડા જિલ્લામાંથી ભેળસેળિયા વેપારીઓને ત્યાં રેડ પાડવામાં આવી હતી. એવામાં બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફરી એકવાર કાર્યવાહી કરી છે. જેમાં ડીસા સ્થિત નવકાર ડેરી પ્રોડક્ટ પેઢીમાં રેડ પાડી છે.
આ મામલે ફૂડ વિભાગે રેડ પાડીને રૂ.૧૭.૫૦ લાખનો કુલ ૪૦૩૭ કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. આ સાથે જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક કાર્યવાહીથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.