
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અંબિકા અન્નક્ષેત્રની નિ:શુલ્ક ભોજન વ્યવસ્થાને આજે એક વર્ષ પૂર્ણ થયું. આ સમયગાળા દરમિયાન 22.78 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દ્વારા માં અંબાના પ્રસાદનો લાભ લેવામાં આવ્યો છે. અન્નક્ષેત્ર દાતાશ્રીઓની કમિટીના મેમ્બર હિતેશભાઈ ઠક્કરના જણાવ્યા અનુસાર, હાલ દરરોજ સરેરાશ 6,000થી વધુ ભક્તો આ સેવાનો લાભ લઈ રહ્યા છે.
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અવસરે 22 જાન્યુઆરી 2024થી શરૂ થયેલી આ સેવા અંતર્ગત અંબિકા ભોજનાલયમાં વિશેષ કાળજી રાખવામાં આવે છે. દરરોજ સવારે બનતી રસોઈમાંથી પ્રથમ થાળ માં અંબાને ધરાવવામાં આવે છે. વળી, સવારની આરતીમાં ધરાવવામાં આવતો બાળભોગનો પ્રસાદ પણ ભોજનાલયમાં પીરસવામાં આવતા ભોજનમાં ભેળવવામાં આવે છે. અન્નક્ષેત્રમાં ભોજનની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. સાત્વિક ભોજન ઉપરાંત, તહેવારોમાં વિશેષ મિષ્ટાન પણ પીરસવામાં આવે છે. અંબાજીની ઓળખ સમાન શુદ્ધ ઘીમાં બનાવેલો મોહનથાળ અહીંનું વિશેષ મિષ્ટાન છે. તાજેતરમાં દિવાળી દરમિયાન સાત દિવસ સુધી વિવિધ પ્રકારનાં મિષ્ટાન પીરસવામાં આવ્યાં હતાં. માં અંબાના આશીર્વાદથી ચાલતી આ સેવા શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે.