
અંકલેશ્વરથી દર્શન માટે અજમેર જઇ રહેલા પરિવારને ગંભીર અકસ્માત નડ્યો છે. આજે વહેલી સવારે 7:30 વાગ્યા આસપાસ ઉદયપુર નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં નવપરણિત યુવક અને તેની ફઇનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માત ઋષભદેવ પોલીસ સ્ટેશનની હદમાં નેશનલ હાઇવે 48 પર કલ્લાજી મંદિર પાસે સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઇ રહેલી કારે ઓવરટેક કરવા જતાં અન્ય કાર ટક્કરને મારતાં કાર ડિવાઇડર સાથે ટકરાઇ હતી.
3 કાર અજમેર જતી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના એક પરિવારના 10 સભ્યો અલગ-અલગ ત્રણ કાર લઇને અજમેર દર્શન કરવા જઇ રહ્યા હતા. ત્યારે ઉદયપુર નજીક તેમની એક કારને અકસ્માત નડ્યો હતો. જેમાં નવપરણિત યુવક પવન (ઉં.વ.30) યુવકને ફઇ નૈના દેવીબેન (ઉં.વ.50) નું મોત નીપજ્યું હતું. બંને મૃતકો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
નવપરણિત કાર ચલાવી રહ્યો હતો
પવન પટેલ નામનો નવપરણિત યુવક કાર ચલાવી રહ્યો હતો, તેમની કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. જ્યારે તેમની સાથે અન્ય બે કાર હતી, તેમાં પરિવારના અન્ય સભ્યો સવાર હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના બે ટુકડા થઇ ગયા હતા. કારના બોનેટ, અને કાચ અને દરવાજાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે કુસુમબેન ભરતભાઈ પટેલ (ઉં.વ.52), બીજુબેન ઉજ્જન સિંહ રાજપૂત (ઉં.વ.55) અને દિશાબેન દિલીપભાઈ પટેલ (ઉં.વ.20)ને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલાં જ પવનના લગ્ન થયા હતા. જોકે પવનની પત્ની બીજી કારમાં સવાર હતી.