
Ahmedabad Plane Crash: આજથી બે દિવસ અગાઉ એટલે કે, ગુરુવારે 12મી જૂન સમગ્ર દેશ માટે ગોઝારી સાબિત થઈ હતી. અમદાવાદથી લંડન સીધી નોનસ્ટોપ ફલાઈટ જ્યારે ટૅક્ ઑફ થયાના થોડીક સેકન્ડમાં ઉડતું મોત બનીને બી.જે.મેડિકલ કૉલેજના કેમ્પસમાં ધરાશાયી થાય છે ત્યારે વિમાનમાં સવાર તો મૃત્યુ પામે છે પરંતુ અગનગોળો બનેલું આ હતભાગી વિમાને હૉસ્ટેલની મૅસમાં પણ ભારે ખુવારી સર્જી હતી. આ ગોઝારી દુર્ઘટનામાં વિમાન જે સ્થળે તૂટી પડયું હતું ત્યાં મેડિકલના 30 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેની સારવાર ચાલી રહી છે. આ દરમ્યાન જંબુસરના મહાદેવનગરના MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ધ્રુવ ગજ્જરનો આબાદ બચાવ થયો હતો. તેને પોતાને થયેલા ભયંકર ઘટનાનો અનુભવ જણાવ્યો હતો.
મળતી વિગતો અનુસાર, ગુરુવાર 12 જૂને જ્યારે અમદાવાદ એરપોર્ટથી ઉપડેલા વિમાને ઉડયાને ગણતરીના કલાકોમાં મેડિકલ કૉલેજની ઈમારતમાં જઈને ધરબાયું ત્યારે કેટલાક મેડિકલના વિદ્યાર્થીઓ, પ્રોફેસર અને સ્ટાફ પણ આ હતભાગી વિમાનના કાટમાળ અને અગનગોળાની ઝપટે ચઢયા હતા. જંબુસરના વિદ્યાર્થી એવા ધ્રુવ ગજ્જરે પોતાને થયેલા મોતનો સાક્ષાત અનુભવને વર્ણવ્યો હતો.
MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ધ્રુવ ગજ્જરે જ્યારે ક્રેશ થયેલું વિમાન ઈમારતમાં ધસી ગયું ત્યારે મેસમાં જમવા બેઠેલા મેડિકલના વિદ્યાર્થીઓ ભયંકર અવાજ આવતા જીવ બચાવવા ડાઈનિંગ ટેબલ નીચે ભરાઈ ગયા હતા. ધૂમાડાના ગોટા જોઈને ડરનો માહોલ છવાયો હતો. મોકો મળતા ધ્રુવ ગજજર બારીમાંથી કૂદીને સેફ સ્થળે દોડી ગયો ત્યારબાદ તપાસ કરતા પ્લેન ક્રેશ થયું હોવાની ઘટના માલુમ પડી હતી. જો કે સાથી મિત્રોના મોતનું ધ્રુવ ગજ્જરે દુઃખ વ્યકત કર્યું હતું.