
ગુજરાતના રાજકારણમાં ફરી મોટા ઉથલ-પાથલ થઈ રહ્યા છે. સોમવારે (14 એપ્રિલ) છોટુ વસાવાના દીકરા મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધુ હતું. ત્યારબાદ હવે આ મુદ્દે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે પ્રતિક્રયા આપી છે. તેમણે કહ્યું કે, મહેશ વસાવાનું પાર્ટી છોડવું તે ઉતાવળિયું પગલું છે.
મનુસુખ વસાવાની પ્રતિક્રિયા
મનુસુખ વસાવાએ મહેશ વસાવાના રાજીનામાં વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મહેશ વસાવા ભાજપમાં જોડાયા તેનું એક વર્ષ થયું. ભાજપમાં જોડાતા પહેલાં તેમણે દરેક મોટા નેતાઓ સાથે પરામર્શ કર્યું હતું અને અમારી વિચારધારાની સ્પષ્ટતા કરી હતી. અમે એક વર્ષ સાથે કામ પણ કર્યું હતું. પાર્ટી સંગઠનની બેઠકમાં પણ તેમને બોલાવતા હતાં, ઘણી બેઠકમાં તે આવતા ઘણી બેઠકમાં ન આવતાં. પરંતુ, પાર્ટી છોડવી તે તેમનું ઉતાવળિયું પગલું છે. તેમની નારાજગી બેઠકની નહીં પરંતુ કંઈક બીજી જ છે.
સાત જન્મ લે તો પણ RSS-ભાજપને ખતમ ન કરી શકેઃ મનસુખ વસાવા
આ સિવાય મનસુખ વસાવાએ મહેશ વસાવાની સોશિયલ મીડિયાની પોસ્ટનો જવાબ આપતા કહ્યું કે, 'મહેશ વસાવા સાત જન્મ લે તો પણ ભાજપ અને RSS ને ખતમ ન કરી શકે.' નોંધનીય છે કે, મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે, 'ડૉ. ભીમરાવ આંબેડકર જન્મદિન પર કોટી કોટી સલામ. ભારતનું પવિત્ર બંધારણ લખનારા ભારત રત્ન નહીં પરંતુ, ભારતનું અનમોલ રત્ન માનવું જોઈએ. પરંતુ, હાલ હું ભારત બંધારણથી ચાલતું નથી દેખાતું. હું ભારતની જનતાને જણાવવા ઈચ્છું છે કે, દલિત, ઓબીસી, મુસ્લિમ, ઈસાઈ, શીખ અન્ય ગરીબ અને પછાત વર્ગ અમારી સાથે ચાલશે તો અમે RSS અને ભાજપની વિચારધારાને ખતમ કરીશું. આગળ ખૂબ લડવાનું છે અને આપણે લડીશું.'
અમને લોકસભાની ચૂંટણીમાં મદદ કરી હતી
ભરૂચ સાંસદે આ વિશે વધુ વાત કરતા કહ્યું કે, એમણે અમને લોકસભાની ચૂંટણીમાં મદદ કરી હતી. પરંતુ, મહેશ વસાવા અને ભાજપની વિચારધારા મેળ નહોતી ખાતી એ સ્પષ્ટ વાત છે. દેશ અને ગુજરાતમાં જે પણ બીજી પાર્ટીઓમાંથી ભાજપમાં આવે છે, તે પોતાના સ્વાર્થ માટે જ આવે છે. પરંતુ, જ્યારે ભાજપની વિચારધારા સાથે જોડવાની વાત આવે તો તેમને ખૂબ તકલીફ પડે છે.