ભરૂચના એસપીએ હીરા જોટવાના દીકરાની ધરપકડ કરી છે. જેથી આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, અગાઉ મેં જાહેર કર્યું હતું કે મનરેગા કૌભાંડના માસ્ટર માઈન્ડ કોંગ્રેસના નેતા હીરા જોટવા છે, તે વાત સાચી પડી છે. મનરેગા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ બંનેનો હાથ છે. કોંગ્રેસ નેતા હીરા જોટવા અને સાંસદ બચુ ખાબડે મળીને પંચાયત પાસેથી કામો લઈ લીધા અને પોતાની એજન્સીને આપી દીધા છે. ભાજપ-કોંગ્રેસ નેતાઓની એજન્સીઓએ એક પણ વખત રેતી કપચી નાખ્યા વગર બોગસ બીલો પાસ કર્યા છે. હીરા જોટવા અને બચુ ખાબડની એજન્સીઓએ રોયલ્ટી અને જીએસટી વગરના બિલો બતાવી કરોડો રૂપિયા સેરવી લીધા છે. પાંચ વર્ષ દરમિયાન એજન્સીઓમાં 2500 કરોડ જમા થયા છે. હીરા જોટવાએ આ નાણાં સ્થાનિક નેતાઓને, અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ રૂપે આપ્યા છે. કોંગ્રેસ નેતા હીરા જોટવાએ હવાલા સ્વરૂપે કરોડો રૂપિયા પોતાના દીકરા પાસે લંડન મોકલ્યા છે. મારી સરકારને અપીલ છે કે CBI, ED અને GST વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવી છે. જો કડક રીતે તપાસ કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, સાંસદો અને મંત્રીઓના નામ આ કૌભાંડમાં બહાર આવે એમ છે. આ કૌભાંડમાં ટીડીઓથી લઈને નિયામક સુધીના અધિકારીઓના નામ પણ બહાર આવે એમ છે. કૌભાંડમાં જેટલા નાણા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા સેરવી લેવામાં આવ્યા છે, તેને રિકવર કરવામાં આવે અને તે નાણાનો ઉપયોગ ગામોના વિકાસ માટે કરવામાં આવે છે.