
ભરૂચની જી.આઈ.ડી.સી.ની ગટરમાંથી અજાણ્યા પુરુષનું માથું મળી આવ્યા બાદ હાથ, ધડ સહિત વિવિધ અંગો મળી આવવાના ચકચારી બનાવમાં પોલીસે હાથ પરના ટેટૂ તેમજ અન્ય નિશાનો પરથી ઓળખ કરી તે શ્રવણ ચોકડી પાસે રહેતો સચિન ચૌહાણ હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે તેની હત્યાનો ભેદ ઉકેલી હત્યારા મિત્રની ઉત્તરપ્રદેશથી ઝડપી પાડ્યો છે.
આ ચકચારી હત્યાના બનાવનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., સહિતની વિવિધ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અનુસંધાને એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી.વાળાએ ટીમ સાથે તાત્કાલિક બનાવવાળી જગ્યાની વિઝીટ કરી, માથાનો ભાગ મળેલ તેની આસપાસના સી.સી.ટીવી ફુટેઝ એકઠા કરવા તેમજ અન્ય પુરાવાઓ મેળવવા માટે એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.
આ ઉપરાંત અન્ય ટીમોને હ્યુમન સોર્સ, ટેક્નિકલ સર્વેલન્સથી ઇનપુટ મેળવવા કાર્યરત કરવામાં આવેલ. સતત ત્રણ દિવસ ભરૂચ GIDC ની ગટરમાં અલગ અલગ જગ્યાએથી વિવિધ માનવ અંગો મળતા રહેલ, જેમાં હાથ પર પડાવેલ ટેટૂ તથા દાંતની કરાવેલ સર્જરી આધારે મૃતકની ઓળખ થયેલી અને આ મૃતક સચિન ચૌહાણ ૨૪ માર્ચથી મિસીંગ હોવાનું જણાયેલ અને તેને મિત્ર શૈલેન્દ્ર સાથે છેલ્લે બેઠક થયેલ ત્યારબાદ મિત્ર શૈલેન્દ્ર પણ ભરૂચ છોડી જતો રહેલ હોવાથી આ દિશામાં ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરતા ટેક્નિકલ સર્વેલન્સ આધારે હકીકત જણાયેલ કે આ ગુનાનો શકમંદ શૈલેન્દ્ર ચૌહાણની હાજરી દિલ્હી આસપાસમાં છે. જેથી એલ.સી.બી.ના પી.એસ.આઈ. આર.કે.ટોરાણીની ટીમને તાત્કાલિક દિલ્હી ખાતે તપાસમાં મોકલી આપવામાં આવેલ અને તપાસ ગયેલ ટીમ દ્વારા એક દિવસ દિલ્હી તથા ઉત્તરપ્રદેશ ખાતે શૈલેન્દ્રના વતનના આસપાસના વિસ્તારમાં વોચ કરેલ આ દરમ્યાન શકમંદ ઉત્તરપ્રદેશના બિઝનૌર ખાતેથી મળી આવ્યો હતો.
આરોપીને યુપીથી ભરૂચ લાવી પૂછપરછ કરતા આરોપી શૈલેન્દ્ર ચૌહાણ ભાંગી પડેલ અને કેફીયત આપેલ કે, "મરણજનાર સચિનના નામે પોતે લોન લીધેલ હતી જેના હપ્તા બાબતે બંને વચ્ચે જીભાજોડી થતી રહેતી તેમજ સચિનના મોબાઇલમાં આરોપીની પત્નીના ફોટા હતા જે ડિલીટ કરવા બાબતે બંને વચ્ચે તકરાર થયેલી, જેથી સચિનને ગળાના ભાગે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દઈ નવ જેટલા ટુકડા કરી તેનો સ્ત્રીના વેશમાં એક્ટિવા પર જઈ નિકાલ કરેલો હતો. પોલીસે આરોપી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોધી કાર્યવાહી કરી ભરૂચ શહેર "સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.