
ગુજરાતભરમાંથી સતત હનીટ્રેપની ઘટના સામે આવી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિત અનેક સ્થળો પરથી હનીટ્રેપ મારફતે પૈસા પડાવવાની ઘટનાઓ સામે આવી હતી એવામાં ભાવનગરમાંથી કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે. જેમાં ભાવનગરમાં એક વેપારી સાથે હનીટ્રેપ અને ખંડણીના કેસમાં પોલીસ મહિલા અને તેના પતિને ઝડપી પાડ્યા છે.
મહિલાએ દુકાનથી ખરીદી કર્યા બાદ સંપર્ક સાધ્યો અને જાળ બિછાવી
ભાવનગરમાંથી હનીટ્રેપ અને ખંડણીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, વેપારીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક મહિલાએ દુકાનથી ખરીદી કર્યા બાદ સંપર્ક સાધ્યો અને બાદમાં હોટલમાં મળી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ બળાત્કારની ફરિયાદની ધમકી આપી મહિલાએ વેપારી પાસેથી 10,000 રૂપિયા પડાવ્યા હતા. બાદમાં મહિલાના પતિ ભાર્ગવ અને સાથીદાર શક્તિસિંહે વેપારી પાસેથી રુપિયા 10 લાખની ખંડણી માંગી હતી જેમાં અંતે 5 લાખ આપવાની વાત નક્કી થઈ હતી. આરોપીઓના સતત દબાણ બાદ વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી અને મહિલા તથા તેના પતિને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની ધરપકડ કરી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.