
શહેરના રીંગ રોડ પર આવેલ કાઠીયાવાડી પોઇન્ટ નામની રેસ્ટોરન્ટમાં ગત તા. ર૮ માર્ચે સીનીયર સીટીઝન લોકોએ કાર્યક્રમ રાખ્યો હતો અને રાત્રીના સમયે તેઓ રેસ્ટોરન્ટમાં જમ્યા હતાં. ત્યારબાદ આશરે ર૦થી વધુ લોકોને ઝાડા-ઉલ્ટી થઈ ગયા હોવાની ફરિયાદ ઉઠી હતી અને જાગૃત નાગરીકે મહાપાલિકાના ફૂડ વિભાગે જાણ કરી હતી.
ગુલાબ જાંબુ, ચાઇનીઝ ભેળ, છાશ, રજવાડી ઢોકળીના લીધા સેમ્પલ
આ ફરિયાદના આધારે મહાપાલિકાના ફૂડ વિભાગે ગત શનિવારે તપાસ હાથ ધરી હતી અને ગુલાબ જાંબુ, ચાઇનીઝ ભેળ, છાશ, રજવાડી ઢોકળી વગેરે ખાદ્યપદાર્થના નમૂના લીધા હતાં. આ તમામ નમૂનાઓ તપાસ માટે લેબોરેટરી મોકલવામાં આવેલ છે અને રીપોર્ટ આવ્યા બાદ વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉપરાંત રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગે તપાસ કરતા ઘઉંના ફાડા અને મીરના પાવડરનો આશરે ર-૩ કિલો જથ્થો એક્સપાયરી તારીખનો મળી આવ્યો હતો તેથી આ જથ્થાનો ફૂડ વિભાગે નાશ કર્યો હતો તેમ મહાપાલિકાના ફૂડ વિભાગે માહિતી આપતા જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાના ફૂડ વિભાગે તમામ રેસ્ટોરન્ટ ધારકો અને મેનેજરોને તાલમી આપી હતી, જેમાં શું સાવચેતી રાખવી, ખાદ્યપદાર્થના પેકેટમાં એક્સપાયરી તારીખ ખાસ જોવી વગેરે બાબત જણાવી હતી છતાં કેટલાક રેસ્ટોરન્ટ ધારકો બેદરકારી દાખવતા હોય છે, જેના કારણે લોકોના આરોગ્યને નુકશાન થતુ હોય છે. ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં શહેરની રેસ્ટોરન્ટોમાં અકસ્મીક તપાસ કરવામાં આવશે તેમ ચર્ચાય રહ્યુ છે.