
રાજ્યના ભાવનગર જિલ્લામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે, ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલા દેવગાણા ગામમાં એક દુઃખદ ઘટના બની છે. વાડીમાં ચણાનું થ્રેસર મશીન ચાલી રહ્યું હતું ત્યારે અચાનક એક મહિલાનું માથું મશીનના પટ્ટામાં આવી જતાં તેમનું મોત નીપજ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે ચાલું મશીનના પટ્ટામાં અકસ્માતે મહિલાનું માથું ફસાઈ ગયું હતું.
મહિલાનું માથું મશીનના પટ્ટામાં આવી જતાં મોત
આ મહિલાનું નામ દર્શનાબેન કપિલભાઈ પંડ્યા હતું અને તેમની ઉંમર 30 વર્ષ હતી. ઘટના બાદ પરિવારજનો તાત્કાલિક મહિલાને સિહોરની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા. પોલીસને ઘટનાની જાણ થતાં હોસ્પિટલ પહોંચી હતી અને અકસ્માતે ગુનો નોઁધીને કાર્યવાહી કરી હતી.