
Botad News: કહેવાતા વિકસિત ગુજરાતની કથળેલી શિક્ષણ વ્યવસ્થા અંગે સતત ગુજરાતભરની શાળાઓમાંથી માઠા સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં બોટાદમાંથી પણ કંઈક આ પ્રકારના જ સમાચાર પ્રકાશિત થઈ રહ્યા છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં નાની વાવડી ગામે માધ્યમિક શાળામાં ગામલોકોએ શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. વાવડી ગામે આવેલ સરકારી માધ્યમિક શાળાના આચાર્યને પરત લાવવા અથવા નવા કાયમી આચાર્યને મુકવાની માંગને લઈને ગ્રામજનોએ શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો.
100થી વધુ વિદ્યાર્થીઓ સામે 8 શિક્ષકનું મહેકમ છતાં 2ની ઘટ
માધ્યમિક શાળાના આચાર્ય રજનીકાંત બાબુલાલ પટેલ છેલ્લા દોઢ વર્ષથી આ શાળામાંથી કામગીરીમાં ફેરફાર કરી કમિશનર શાળાની કચેરી ગાધીનગર ખાતે ફરજ બજાવે છે. દોઢ વર્ષથી શાળામાં ઈન્ચાર્જ આચાર્ય તરીકે ગાડું ચલાવતા વિઘાથીઓના શિક્ષણ પર માઠી અસર થાય છે. શાળાના ધો. ૯થી ૧૨માં 100થી 125 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને શાળાનું કુલ આચાર્ય સહીત 8 શિક્ષક સ્ટાફનું મહેકમ છે. વાલીઓએ આ અંગે કલેક્ટરને પણ જાણ કરી હતી પરંતુ તેમાંથી કોઈ નિવારણ આવ્યું નહિ. જેથી આજે તમામ વાલીઓએ જાતે જ બાળકોને શાળાએ નહિ મોકલવા માટે નિર્ણય લીધો છે.
2 શિક્ષકોની ઘટ હોવા છતાં આચાર્ય દોઢ વર્ષથી ગાંધીનગર ફરજ બજાવે છે
શાળામાં 4 શિક્ષકો અને 2 જ્ઞાન સહાયક મળી કુલ 6નો સ્ટાફ કાર્યરત છે. 2 શિક્ષકોની ઘટ હોવા છતાં આ શાળાના આચાર્ય રજનીકાંત બાબુલાલ પટેલ તા.22-8-23થી કામગીરી ફેરફારનો ઓર્ડર કરાવીને આચાર્ય ફરજ પર છે. જેને પગલે, નાનીવાવડી માધ્યમિક શાળાની બહાર મોટી સંખ્યામાં વાલીઓ એકત્રીત થઈ સુત્રોચ્ચાર કરી વિરોધ કરાયો હતો. માધ્યમિક શાળામાં જ્યાં સુધી કાયમી આચાર્યની નિમણૂક કરવામાં નહિ આવે ત્યાં સુધી શિક્ષણનો બહિષ્કાર કરવાનો ગામલોકોએ નિર્ણય કર્યો છે.