
Botad News : સુરેન્દ્રનગર અને બોટાદના અંતરીયાળ વિસ્તારોમાં ગેરકાયદેસર ખનીજ ચોરીના પ્રમાણમા વધારો થઈ રહ્યો છે. ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામ પાસે સુખભાદર નદીમાં ગેરકાયદેસર ખનીજ ચોરી અંગેની રજૂઆત રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ખાણ ખનીજ વિભાગના મુખ્ય સચિવને કરી છે.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામ પાસે સુખભાદર નદીમાં ગેરકાયદેસર ખનીજ ચોરી મુદ્દે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે એક આવેદનપત્ર રાજ્ય સરકારના ખાણ ખનીજ વિભાગના મુખ્ય સચિવને પાઠવ્યો છે. લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ સુખભાદર નદીમાં ગેરકાયદેસર ખનીજ ચોરીના કારણે નદી લુપ્ત થવાની આરે છે. નદીમા 15 ફૂટ ઊંડા ખાડા ખોદી માટી કાઢવામા આવી રહી હોવાની રજૂઆત કરાઈ છે.
ખનીજમાફિયાઓ ગેરકાયદેસર ખનન કરી પર્યાવરણને નુકશાન પહોંચાડી રહ્યા છે. આ ખનનથી ભવિષ્યમાં પાણીની તંગી ઉભી થશે અને ગરીબ ખેડૂતને મુશ્કેલી વેઠવી પડશે. ખનીજ અને પોલીસ અધિકારીની હપ્તાખોરીથી પાણીની સમસ્યા ઊભી થવાની સંભાવના પણ સાંસદ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેથી લેખિત રજૂઆત કરી ખનીજ ચોરી બંધ કરાવવા માંગ કરવામાં આવી છે.