Home / Gujarat : Cases of gold theft increased at Ahmedabad International Airport

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીના કિસ્સા વધ્યા, 10 મહિનામાં આટલા કેસ નોંધાયા

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીના કિસ્સા વધ્યા, 10 મહિનામાં આટલા કેસ નોંધાયા

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એપ્રિલ 2024 થી 25 જાન્યુઆરી 2025 સુધી 10 મહિનામાં કસ્ટમ વિભાગ દ્વારા 68 કિલો સોનું જપ્ત કરાયું છે, જેની કિંમત અંદાજિત 45 કરોડ રૂપિયા છે. આ દસ મહિનામાં સોનાની દાણચોરીના 130થી વધુ કેસ નોંધાયા છે. એટલે કે, દિવસના સરેરાશ એક કેસ નોંધાય છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

25થી વધુ લોકોની ધરપકડ

કસ્ટમ વિભાગે સોનાની દાણચોરી અને ડ્રગ્સની હેરાફેરી કરતા 25થી વધારે લોકોની ધરપકડ પણ કરી છે. આ પૈકી છેલ્લાં બે મહિનામાં દાણચોરી અને ડ્રગ્સની હેરાફેરીના મોટા-મોટા કેસ પકડાયા છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કસ્ટમ વિભાગે દાણચોરીના જે મોટા કેસ કર્યાં તેમાં ગોલ્ડ પેસ્ટ અને કેપ્સુલની અંદર સોનું છુપાવીને લાવવાના કેસોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત થાઈલેન્ડથી આવેલા બે પેસેન્જર પાસેથી ફૂડ પેકેટની અંદર છુપાવેલું ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યું હતું. ઈન્ટરનેશનલ માર્કેટમાં તેની કિંમત 20 કરોડ રૂપિયા થાય છે. 

7.5 કિલો નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કર્યો

કસ્ટમ વિભાગ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી કરનાર 3 પેસેન્જરની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમાં 7.5 કિલો નશીલા પદાર્થનો જથ્થો જપ્ત કરીને NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. કસ્ટમની ફોરેન પોસ્ટ ઓફિસમાં પણ આવતા પાર્સલોની ચકાસણી કરવામાં આવી રહી છે. અગાઉ ફોરેન પોસ્ટ ઓફિસમાં આવેલા એક પાર્સલમાંથી હાઇબ્રિડ ગાંજો પણ મળી આવ્યો હતો. કસ્ટમ વિભાગમાં હાલ પોલીસના સ્નીફર ડોગ છે, જેને સ્પેશિયલ નાર્કોટિક્સની ટ્રેનિંગ આપવામાં આવી છે. 

હવે કસ્ટમ વિભાગ ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર પણ ખાસ નજર રાખી રહ્યું છે. કારણ કે, છેલ્લા ત્રણ દિવસમાં કુલ ત્રણ પેસેન્જર પાસેથી અમેરિકન ડોલર મળી આવ્યા હતાં. જેમાં એક પેસેન્જર પાસેથી 16.50 લાખ ભારતીય મૂલ્યનું અને બીજા બે પેસેન્જર પાસેથી 53.55 લાખનું ભારતીય મૂલ્યનું વિદેશી ચલણ મળી આવ્યું હતું. અમદાવાદના એરપોર્ટ ઉપરથી અચાનક જ યુએસ ડોલર મોટી માત્રામાં લઈ જવાના બે મોટા કેસ બન્યા પછી કસ્ટમ વિભાગના અધિકારીઓ ચોંકી ગયા છે.

Related News

Icon