
નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતો માટેના રેનબસેરામાં ખાનગી તબીબને રહેવા માટે રૂમ આપતા એપીએમસીના સત્તાવાળાઓની ગંભીર બેદરકારી બહાર આવી છે. આ રેનબસેરા જે ખેડૂતો બહાર ગામ ગયા હોય તેમજ નસવાડી ખાતે શાકભાજી વેચવા માટે આવ્યા હોય તે ખેડૂતો માટે બનાવવામાં આવ્યું છે. ત્યારે આવી રીતના એક તબીબને રેનબસેરા આપીને સરકારના નિયમો નેવે મુક્યા છે. રેનબસેરામાં ડોકટરે ડુંગરીના કટ્ટા વોશિંગ મશીન. ઘર વખરીનો સામાન મુકેલો છે. ચાર દિવસ માટે રૂમ આપવામાં આવે ત્યારે આટલો બધો સામાન કેવી રીતના મુકવામાં આવે તે પણ તપાસનો વિષય છે.
ખેડૂતો ખુલ્લામાં રાત વિતાવવા મજબૂર
નસવાડી ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આવેલ છે આ એપીએમસી માં સરકાર દ્વારા રેનબસેરા બનાવવા માટે ગ્રાન્ટ ફાળવી હતી. જે ખેડૂતો રાત્રીના સમયે બહાર ગામ ગયા હોય અને તેઓને રાત્રી રોકાણ કરવું હોય તેમજ જે ખેડૂતો શાકભાજી વેચવા માટે નસવાડી ખાતે આવ્યા હોય અને વાહન ન મળે ત્યારે રાત્રી રોકાણ કરવા માટે રેનબસેરા બનાવવામાં આવ્યું હતું. પરંતુ નસવાડી એપીએમસીના સત્તાધીશો ખેડૂતો માટેનું રેનબસેરા એક ખાનગી ડોક્ટરને રહેવા માટે આપ્યું છે. આ રેનબસેરા ખેડૂતો માટે હોય છે. ખાનગી તબીબને આપી શકાય નહિ. ગામડાં માંથી આવતા ખેડૂતો રાત્રીના સમયે રોડ ઉપર રાત વિતાવવા મજબૂર બન્યા છે. જયારે બીજું એક રેનબસેરા છે. તેને તાળા મારી રાખવામાં આવે છે. તેમાં ગંદકી છે.
એકહથ્થું શાસનમાં મનમાની
ખેડૂતોને રહેવા માટે રેનબસેરા ખોલવામાં આવતું નથી. ગરીબ આદિવાસી વિસ્તારના ખેડૂતો માટે રેનબસેરા એક આશીયાનું હોય છે. પરંતુ સત્તાના નશામાં એપીએમસીના સત્તાધીશો ખેડૂતોનો વિચાર કરતા નથી. ચૂંટણી આવે ત્યારે ખેડૂતોના મત લેવા માટે તેઓના આંગણે જાય છે. હાલ તો એપીએમસી સત્તાધીશોના વાંકે ખેડૂતો હેરાન પરેશાન થઇ રહ્યા છે. જયારે એક હથ્થું શાસન એપીએમસીમાં હોવાથી ખેડૂતોની ચિંતા કરવામાં આવતી નથી. જયારે ખાનગી તબીબને રેનબસેરા આપી દઈને મનમાની કરી રહ્યા છે