
નસવાડી ખાતે આવેલી રેવાજીનમાં 210 ગામના ખેડૂતો સી સી આઈ માં કપાસ વેચવા માટે આવતા હતા. હરરોજ 400 થી 500 કવિન્ટલની આવક થતી હતી. અચાનક સી સી આઈ ના અધિકારીઓ રેવા જીનમાં કપાસની ખરીદી બંધ કરી છે. નોટિસ બોર્ડ ઉપર લખ્યું છે કે અમદાવાદની વડી કચેરીની સૂચના મળે ત્યાર બાદ કપાસની ખરીદી કરવામાં આવશે. જ્યારે સી સી આઈના અધિકારીઓના આ મનસ્વી નિર્ણય લેતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
આંદોલનની ચીમકી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સંખેડા તાલુકામાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે નસવાડી ખાતે કપાસની ખરીદી સી સી આઈ કેમ બંધ કરી તેના ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે નસવાડી ખાતે કપાસની જીન માં સી સી આઈ દ્વારા કપાસની ખરીદી બંધ કરાતા કપાસની જીનમાં કામ કરતા 20 થી 25 મજૂરી બેકાર બનશે. નસવાડી તાલુકાના ખેડૂતોને કપાસ વેચવા માટે બીજા તાલુકામાં જવું પડશે. ત્યારે અધિકારીઓએ નસવાડી ખાતે કપાસની ખરીદી શરૂ કરવા માટે વહેલી તકે નિર્યણ નહિ લે તો ખેડૂતો એ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
કપાસની ખરીદી કરાવવા માગ
સી સી આઈ દ્વારા નસવાડી તાલુકાના ખેડૂતો ને અન્યાય કરશે. તો આગામી દિવસોમાં ખેડૂતોએ જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ સીસીઆઈના અધિકારીઓ નસવાડીના ખાનગી વેપારીઓ સાથે મિત્રતા કેળવીને ખેડૂતો ખાનગી વેપારીઓને કપાસ વેચવા મજબૂર બને તેવી પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે. ખેડૂતો એક તરફ આ વર્ષે કપાસના ભાવ ઓછા મળતા દેવાદાર બન્યા છે. સીસી આઈ અને ખાનગી વેપારીઓ વચ્ચે કપાસના ભાવનો ક્વિન્ટલ 300 રૂપિયાનો તફાવત છે. જેનાથી ખેડૂતોને ખાનગી બજારમાં કપાસ વેચે તો ભારે નુકશાન થાય તેમ છે. અધિકારી ઓના આવા નિર્ણયથી વડાપ્રધાનને લેખિતમાં રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે. જ્યારે સાંસદ ધારાસભ્ય નસવાડી ખાતે સી સી આઈના અધિકારીઓને રજૂઆત કરીને કપાસની ખરીદી શરૂ કરાવે તેવી માંગ ઉઠી છે.