નસવાડી તાલુકાના આકોના ગામની વિદ્યાર્થીનીએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી હોવા છતાંય તેના પરિણામમાં તેને ગેરહાજર બતાવામાં આવી હતી. જેને લઈને છોટાઉદેપુર જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીએ ગંભીર નોંધ લઈને કેન્દ્ર સંચાલક તેમજ વર્ગખંડ પરીક્ષામાં ફરજ બજાવનાર તમામ શિક્ષકોને નોટીસ આપવામાં આવી છે. જેની સાથે જ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ઉપર ખુલાસા માટે બોલાવવામાં આવ્યા છે. માધ્યમિક શિક્ષણ બોર્ડની ગાઇડલાઇન મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
નસવાડી તાલુકાના આકોના ગામની અંકીશાબેન તીરથસિંહ પરમાર નસવાડી એસ બી સોલંકી વિદ્યામંદિર માં ધોરણ 10નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. બોર્ડની પરીક્ષામાં નસવાડી ખાતે આવેલી આદર્શ નિવાસી શાળામાં પરીક્ષા આપી હતી. આ જ પરીક્ષા કેન્દ્રમાં મદની સ્કૂલનો વિદ્યાર્થી અલ્બાક્ષભાઈ સબીરભાઈ એ પરીક્ષા આપી ના હતી પરંતુ તેને પાસ કરવામાં આવ્યો પરંતુ વિદ્યાર્થિનીને નાપાસ કરવામાં આવી. આ ઘટના બહાર આવતા છોટાઉદેપુર જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી પણ ચોકી ઉઠ્યા હતા. જયારે તેઓના જણાવ્યા મુજબ પરીક્ષા કેન્દ્રમાં ફરજ બજાવનાર કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે અને 30 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક પરીક્ષા કેન્દ્રના વર્ગ ખંડમાં ફરજ બજાવતા હોય છે. ત્યારે બારકોડ સ્ટીકર મારતા હોય ત્યારે હાજર વિદ્યાર્થી છે કે નહિ તેનું પૂરેપૂરું ધ્યાન આપવાનું હોય છે અને ચકાસણી કરવાની હોય છે પરંતુ 6 દિવસ સુધી અલગ અલગ દિવસે પરીક્ષા કેન્દ્રના વર્ગખંડ માં 6 શિક્ષકો ફરજ બજાવી છે.
તમામ શિક્ષકો એ હોલ ટિકિટમાં સહી કરી છે ત્યારે તેઓએ ફરજ દરમિયાન ધ્યાન આપ્યું નથી જે સ્પષ્ટ દેખાઈ આવે છે. જયારે જે વિદ્યાર્થી હાજર હોય પરીક્ષા આપતો હોય તેને ગેરહાજર બતાવીને શિક્ષકોએ ગંભીર બેદરકારી રાખી છે. સાથે પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગ સુપરવાઈઝરની નિમણુંક કરવામાં આવે છે તેઓએ પણ આનું ધ્યાન રાખવાનું હોય છે. ત્યારે તમામ કર્મચારીઓ પરીક્ષા કેન્દ્ર માં ફરજ બજાવવામાં નિષ્ફળ રહેતા તમામને નોટીસ આપવામાં આવી છે અને ખુલાસા માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી છોટાઉદેપુર ઉપર બોલાવવામાં આવ્યા છે. તમામના જવાબો લેવામાં આવશે હાલ તો તપાસની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે અને જે વિદ્યાર્થીનીએ પરીક્ષા આપી હતી તેને ઝડપથી પરિણામ મળી જાય તે માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલી એસ બી સોલંકી ના પ્રિન્સિપાલને પણ આ વિદ્યાર્થીનીને મદદ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી નોટીસ આપી છે નસવાડીની આદર્શ નિવાસી શાળામાં પરીક્ષા ખંડમાં તેમજ બિલ્ડીંગ સુપરવાઈઝરના નામ:
1. પી એ તડવી
2. ડી જી ગામીત
3. એમ આર રાઠવા
4. જી એસ ચાવડા
5. એ કે રાઠવા
6. પી વી જાની - આદર્શ નિવાસી શાળા (કુમાર) નસવાડી