VIDEO: છોટાઉદેપુર જિલ્લાની ભારજ નદીમાં ઉપરવાસમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેના લીધે નદીમાં પાણીના ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ દરમ્યાન એક આધેડ સવારના સમયે નદી ઓળંગવા જતા પાણીના તીવ્ર ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો હતો. જે અંગેની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લામાં આવેલા સુખી ડેમમાં વરસાદી પાણીનો ભરાવ થતા ડેમમાંથી પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું હતું. જેથી ભારજ નદીમાં પાણીનો પ્રવાહ એકાએક વધ્યો હતો. જેના લીધી નદીએ રૌદ્વ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સ્થિતિમાં પાવી-જેતપુર તાલુકાના વાઘવા ગામના આધેડ રમેશભાઈ રાઠવા આજે સવારના સમયે નદી ઓળંગવા જતા પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા હતા. આધેડ નદીના પાણીમાં તણાઈ જતા ફાયર બ્રિગેડને જાણ થતા ઘટનાસ્થળે જઈ ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ શરુ કર્યું હતું.