
સંખેડા તાલુકાના વાસણા વસાહત 3માં 15 જેટલા મકાનોમાં નલ સે જલની સુવિધા હોવા છતાંય તેમાં પાણી નથી આવતું. જેથી શ્રમજીવી પરિવારો ગ્રામપંચાયતના સરપંચને રજૂઆત કરીને થાકી ગયા છે. ગ્રામ પંચાયતના સત્તાધીશોના કાને અવાજ પહોંચે તે માટે સૂત્રોચ્ચારો કરીને પાણી આપો પાણી આપોની માંગ કરી છે.
આ પણ વાંચોઃVideo: સુરતમાં ક્રેન સર્વિસની દુકાનમા લાગી ભયાવહ આગ, ફર્નિચર સહિતનો સામાન બળીને ખાક
બેડાં ભરવા જવું પડે છે
વસાહતમાં સરકાર દ્વારા નલ સે જલ યોજનામાં ઘરે ઘરે નળ મૂકી આપવામાં આવ્યા છે. પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે. નળમાં પાણી આવતું ન હોવાથી મહિલાઓ નજીકમાં માથે બેડાં લઈને પાણી ભરવા જાય છે. મજૂરી કામે જવાનું હોય ત્યારે પશુઓને પાણી પીવડાવવા માટે પાણીની વધારે જરૂરિયાત હોય છે. ત્યારે પાણી ભરવામાં સમય જતો રહેતો હોવાથી મજૂરીકામ જવામાં મોડું થઇ જાય તો તેઓને મજૂરી કામમાં ખેડૂતો લેતા નથી. હરરોજ આ સમસ્યાથી મહિલાઓ હેરાન પરેશાન થઇ ગઈ છે. નજીકમાં જ ફિલ્ટર પાણીની ટાંકી લાખો લીટરની છે. અન્ય વિસ્તારો અને ગામડાઓમાં પાણી પહોંચાડવામાં આવે છે. જયારે 100 મીટરના અંતરમાં આ ટાંકીનું પાણી આ પરિવારોને મળતું નથી.
શાસકો વચ્ચે તાલમેલનો અભાવ
શ્રમજીવી પરિવારોએ અનેક વાર ગ્રામ પંચાયતના સત્તાધીશોને રજૂઆત કરી હતી. પરંતુ, ગ્રામ પંચાયત સત્તાધીશો પાઇપ લાઈનની કામગીરી ન કરાવતા હાલ લોકોને પાણી ફિલ્ટર વાળું મળતું નથી. જેને લઈને રોષે ભરાયેલા શ્રમ જીવી પરિવારના લોકો ભેગા થઇને ગ્રામ પંચાયતના સત્તાધીશોના કાને અવાજ પહોંચે તે રીતના સૂત્રોચ્ચારો કરી અને પાણીની માંગ કરી હતી. જયારે આદિવાસી વિસ્તારમાં સરકાર કરોડો રૂપિયા પાણી ની સુવિધા માટે ફાળવે છે પરંતુ તેમાં પાણીપુરવઠા વિભાગ અને ગ્રામપંચાયતના સત્તાધીશો વચ્ચે તાલમેલ ન હોવાથી નાની નાની કામગીરી કરવામાં આવતી નથી. જેનો ભોગ લોકો બને છે.
ઉનાળામાં પાણીની માગ વધશે
હાલ તો શિયાળાની સીઝન છે. એટલે પાણીની જરૂરિયાત ઓછી છે. જયારે ગરમીની સીઝનમાં પાણીની માંગ વધી જાય છે. ત્યારે લોકોને મુશ્કેલી ન પડે તે માટે પાણીપુરવઠા બોર્ડે આવી નાની ખામીઓ દૂર કરીને eપ્રજાને પાણી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. જયારે વાસણા વસાહત નંબર 3 ના લોકોએ આગામી દિવસોમાં પાણીની સમસ્યા દૂર કરવામાં નહિ આવે તો રોડ પર ચક્કા જામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.