છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બોડેલી રોડ તેમજ જબુગામ પાવીજેતપુર રોડ ઉપર કરોડો રૂપિયા રોકીને રેતીના ઢગલા કરનાર સ્ટોક માલિકો ભેરવાયા છે. ઓરસંગ નદીનો બ્રિજ તેમજ ભારજ નદીનો પુલ અને ડાયવર્ઝન અને જબુગામનો મેડિયા નદીનો બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરાયો છે. જેથી ટ્રાન્સપોર્ટ સેવા આ રોડ ઉપર બંધ થઈ ગઈ છે. રેતીનું વેચાણ અટકી ગયું છે. નેશનલ હાઇવે 56 ઉપર ટ્રકોની અવર જવર બંધ થતા રોડ સૂમસામ બન્યા છે. છોટાઉદેપુર જિલ્લાના 200 જેટલા રેતીના સ્ટોક આવેલા છે. રેતીના સ્ટોકમાં ટ્રકોને જવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેથી રેતીના ઢગલા વેચાઈ શકે તેમ નથી. કરોડો રૂપિયાનું રોકાણ કરનાર રેતીના વેપારીઓ મૂંજવણમાં મુકાયા છે. વ્યાજે, ઉછીના અને બેન્ક લોનથી રોકાણ કરનાર વેપારીઓની દયનીય સ્થિતિ ઉભી થઈ છે.નદીમાંથી રેતી આવતી નથી. રેતીના સ્ટોક ઉપરથી રેતી ભરાશે નહીં જેનાથી બાંધકામ ઉદ્યોગ ઠપ્પ થઈ જશે.