છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સિંધડીયા ગામે પોચમ્બા પાણીપુરવઠા યોજનાના સંપમાં પાણી આવતું નથી. જયારે નદીમાં પાણીની લાઈનો તૂટી ગઈ છે. તે રીપેરીંગ થતી નથી. પોચમ્બા પાણી પુરવઠા સુધારણા યોજનામાં બીજા સંપ જૂના સંપની બાજુમાં બનાવવામાં આવ્યો છે. જૂના સંપમાં પાણી પહોંચ્યું નથી. ત્યારે પાણીપુરવઠા વિભાગના અધિકારીઓની બેદરકારી બહાર આવી છે.
પાણી સ્તર નીચા ગયા
નસવાડી તાલુકાના સિંધડીયા ગામે 400 જેટલા લોકોની વસ્તી છે. આ ગામમાં પોચમ્બા પાણી પુરવઠા યોજનામાં પાણી મળે તે માટે પાણીપુરવઠા વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં એક સંપ 6 વર્ષ પહેલા બનાવેલ છે. કમ્પાઉન્ડની બહાર એક ટાંકી બનાવેલ છે. આ ગામમાં પાણી પહોંચાડવા માટે ભાખા ગામથી પાણીની લાઈન આવે છે. સિંધડીયા ગામ પાસે અશ્વિન નદી આવતી હોવાથી પોચમ્બા પાણી પુરવઠા યોજનાની પાઇપલાઈનો પાણીના પ્રવાહમાં દર ચોમાસે તણાઈ જાય છે. જયારે છેલ્લા 6 વર્ષથી પોચમ્બા પાણીપુરવઠા યોજનાનું પાણી મળતું નથી. અશ્વિન નદી સુકાતાની સાથે જ ગ્રામ પંચાયતના વોટરવર્કસના બોરના પાણીના સ્તર નીચા જતા બોર બંધ હાલતમાં થઇ જાય છે.
વીજલાઈનમાં ફોલ્ટ રહે છે
પોચમ્બા પાણીપુરવઠા યોજનાનું પાણી ગામને મળ્યું નથી. ગામમાં ઘરે ઘરે નલ સે જલ યોજનામાં નળ બેસાડવામાં આવ્યા છે. પરંતુ એક પણ ટીપું પાણી નળમાં ન આવ્યું. જયારે ગ્રામજનોએ અનેક વાર પોચમ્બા પાણી પુરવઠાના અધિકારીઓને લાઈન રીપેર કરવા માટે રજૂઆત કરી હતી. પરંતુ ગરીબ આદિવાસી સમાજના લોકોની રજૂઆત સાંભળવામાં આવતી નથી. પોચમ્બા પાણી પુરવઠા યોજનામાં 44 કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજના દ્વારા સુધારણા યોજનામાં સિંધડીયા ગામે બીજો સંપ બનાવવામાં આવ્યો છે. એક સંપમાં પાણી પહોંચાડી શક્યા નથી. ત્યારે બીજા સંપનો ખર્ચ કરીને શું સિદ્ધ કરવા માંગે છે. સરકારના નાણાં આવી રીતના પાણીપુરવઠા વિભાગના અધિકારીઓ વેડફી રહ્યા છે. ત્યારે નલ સે જલ યોજનામાં પણ સરકારે કરેલો ખર્ચ હાલ વ્યર્થ સાબિત થયો છે. હાલ તો એક ખેડૂત પોતાના ખેતરના બોરમાંથી પાણી આપે છે. પરંતુ ખેતીની વીજલાઇન હોવાથી લાઈટ આઠ જ કલાક આવતી હોવાથી અમુક સમયે પાણી મળતું નથી. અમુકવાર ખેતીનો વીજપુરવઠો બે બે ત્રણ ત્રણ દિવસ વીજલાઇન ફોલ્ટમાં જાય ત્યારે વીજપુરવઠો આવતો નથી.