છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. નસવાડી તાલુકાના ઉપરવાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા અશ્વિન નદી બે કાંઠે વહેવા લાગી છે. નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસે અશ્વિન નદી ઉપર આવેલ લો લેવલ કોઝ વે ઉપર પાણી ફરી વળ્યા હતાં. અશ્વિન નદી 200 ગામોમાંથી પસાર થતી હોવાથી 200 ગામોને પીવાના પાણીની તંગી દૂર થશે. નસવાડી તાલુકામાં સતત બીજા દિવસથી વરસાદ પડતા તમામ નાના નાના ગામડાઓના કોતરોમાં નવા નીર આવ્યા છે. ખેડૂતો ખેતીકામમાં જોતરાયા છે. અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક વ્યાપી છે. કુકાવટી ગામે લો લેવલના કોઝ વે ઉપર કોંક્રિટનો સ્લેબ ધોવાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.