Gujarat Weather News: ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવા માહોલનું નિર્માણ થયું છે. સમગ્ર રાજ્યમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવી જતાં ઠેર ઠેર ભારે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને પગલે રાજ્યભરમાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વડોદરામાં શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદ જોવા મળ્યો
વીજળીના કડાકા સાથે વહેલી સવારથી જ વરસાદ વર્ષી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ હતી. મોસમે મિજાજ બદલ્યો છે, ભર ગરમીની સીઝનમાં વરસાદી માહોલ છવાયો હતો. ઉનાળું પાકને નુકશાની ભીતિ વર્તાઈ રહી છે. ભારે વરસાદગને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરના પાણીગેટ, કોઠી, માંજલપુર, અલકાપુરી, ગોત્રી અને વાસણા રોડ સહીતના વિસ્તારો માં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મેઘરાજાની તોફાની બેટીંગથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ડભોઈ તાલુકામાં ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ
વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકામાં સવારથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. તેજગતિથી ફૂંકાયેલા વાવાઝોડા સહિત બે દિવસથી મેઘરાજાની એન્ટ્રીથી ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. જનજીવન પ્રભાવિત તેમજ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાકનો પોષણક્ષમ ભાવ મળતો નથી તેવામાં વરસાદના આગમનથી ખેડૂતોની પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કમોસમી વરસાદથી ડભોઇ વિસ્તારના ખેતરો પાણીથી તરબતર થયા હતા. તૈયાર પાક તોડીને ખેતરમાં પાથરેલો હતો જેમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા. મકાઈ તુવેર દિવેલા ડાંગર જેવા પાકોને મોટું નુકસાન થયું છે. પાકને નુકસાન થતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી હતી. નુકસાનીનો સર્વે કરી સરકાર ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ યથાવત
સુરેન્દ્રનગરના પાટડીમાં 1 ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. લીમડી, થાન, ચુડા સહિતના તાલુકાઓમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોના તલ શાકભાજી લીલાચારા જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સતત બીજા દિવસે પણ સુરેન્દ્રનગરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કમોસમી વરસાદને લઈ સતત બીજા દિવસે પણ ટેકાના ભાવે ચણાની ખરીદી બંધ કરાઈ છે.
ધોધમાર વરસાદના પગલે રણમાં અગરિયાઓ ફસાયા
સુરેન્દ્રનગરમાં માવઠાના કારણે ધોધમાર વરસાદના પગલે રણમાં અગરિયાઓ ફસાયા હતા. રણમાં જવાના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યું છે. 5 લાખ ટન મીઠાનો ઉત્પાદન થયેલો માલ રણમાં પડ્યો છે. માવઠાથી મીઠા અગરને પણ નુકસાન થયું છે. ઉત્પાદન ઘટવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અગરિયાઓ માટે સરકાર નુકસાન અંગેનો સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરાઈ હતી. રણમાં માવઠાને લઈ અગરિયાઓની મુસીબત વધી ગઈ છે.
વલસાડમાં આજે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો
વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. વાપી વલસાડ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ હતો. ગઈકાલે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. ઝડપી પવન અને ભારે વરસાદના અનેક જગ્યાએ નુકસાન પણ થયું હતું. દરિયા કિનારા વિસ્તારોમાં તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા હતા. તિથલ દરિયા કિનારે ચોપાટી પર સ્ટોલોની છત ઉડી ગઈ હતી. સ્ટોલ ધારકોને નુકસાન પહોંચ્યું હતું. આજે પણ જિલ્લામાં વરસાદની આગાહી છે.
ડાકોરમાં ભર ઉનાળે ચોમાસા જેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ
ખેડા પંથકમાં બારે મેઘ ખાંગા જેવા દ્રશ્યો સર્જાયા હતા. ખેડા જિલ્લાના ડાકોર રણછોડરાય પરિસરના પગથિયાં સુધી પાણી ભરાયા હતા. પુરુષોત્તમ વિસ્તારમાં પણ અતિશય પાણી ભરાતા ત્યાંના રહીશોને ચાલવામાં મુશ્કેલી પડતી હતી. એસટી બસ સ્ટેન્ડમાં પણ પાણી ભરાયા હતા. વિશ્વકર્મા મંદિર રોડ પણ પાણીમાં ગરકાવ થતા વાહનો અને રાહદારીઓ અટવાયા હતા. આ વિસ્તારમાં આવેલ દુકાનોમાં પણ પાણીની લહેરો ભરાતા વેપારીઓને દુકાનો બંધ કરવાની નોબત આવી હતી. ખેડા જિલ્લામાં સાર્વત્રિકરુપે વરસાદે જનજીવન ધમરોડ્યું છે. લલણી કરવાનો ખરીફ પાક ધોવાયો હતો જેથી ધરતી પુત્રો વિષાદની સ્થિતિમાં જોવા મળ્યા.
BRTS રુટ પર ભુવો પડતાં JCB ફસાયુ
વરસાદ પડતાંની સાથે જ રસ્તા પર ભુવા પડવાના ચાલુ થઈ જાય છે અને તેને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. એવામાં અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે નારણપુરા વિસ્તારમાં BRTS રોડ પર મોટો ભુવો પડ્યો હતો અને જેમાં જેસીબી અટવાયું હતું. શાસ્ત્રીનગર પાસે નવા બ્રિજ નીચે ભુવો પડ્યો હતો. શાસ્ત્રીનગર બીઆરટીએસ રુટ પાસે ભૂવામાં JCB અટવાયું હતું.
સુરેન્દ્રનગરમાં કમોસમી માવઠા બાદ રોગચાળો ફાટી નીકળ્યો
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં માત્ર 2 કલાકમાં જ 350 જેટલા દર્દીઓની OPD નોંધાઈ હતી. તાવ, શરદી, ઉધસર, માથું દુઃખવા જેવા કેસો વધ્યા હોવાની માહિતી મળી રહી છે. માવઠા બાદ રોગચાળાની દેહસત સર્જાઈ છે. સીવીલ હોસ્પિટલમાં સ્પેશિયલ ડૉક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોના દર્દીઓનો પણ ઘસારો જોવા મળ્યો હતો. વરસાદ બાદ સીવીલ હોસ્પિટલમાં OPD કેસો વધ્યા છે.