
દાહોદ જીલ્લામાં દેવગઢબારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગાના બધાય કામો મંત્રીપુત્રોની એજન્સી શ્રી રાજ ટેડર્સ અને શ્રી રાજ કન્સ્ટ્રકશન કંપનીને આપવામાં આવ્યાં હતાં. આ બંને એજન્સીઓએ પિતાના રાજકીય વગનો ઉપયોગ કરીને ધૂમ ભ્રષ્ટાચાર આચર્યો હતો. આ મુદ્દે મુખ્યમંત્રી સુધી લેખિત ફરિયાદ કરાઈ છે.એટલું જ નહી વિધાનસભામાં મુદ્દો ઉછળ્યો હતો. આમ છતાંય સરકારના પેટનું પાણી હાલ્યુ ન હતુ. આખરે તપાસના આદેશ અપાયા હતાં. કોંગ્રેસે કરેલી તપાસમાં એવા તારણો બહાર આવ્યાં કે, જે તે સ્થળે ગ્રામ વિકાસ એજન્સીના નામે મનરેગાના કામો થાય છે તેવા બોર્ડ લગાવી દીધા હતાં.
દેવગઢ બારિયાના ત્રણ ગામોમાં તો આરસીસીના રોડ જ બન્યા ન હતાં તેમ છતાંય મંત્રી પુત્રની એજન્સીને નાણાં ચૂકવી દેવાયા હતાં. કાગળ પર ડામરના રસ્તા બન્યાં છે તેવુ દેખાડી દેવાયુ હતું. વાસ્તવમાં આજે પણ આ માર્ગો ઉખડખાબડ અવસ્થામાં છે. કૂઆ-રેઢાણા ગામમાં ૩૩૯ ચેકડેમ બનાવાયાં ન હતાં તેમછતાંય બધુ કાગળ પર દર્શાવી બારોબાર પેમેન્ટ લઈ લેવાયુ હતું.
આ વિસ્તારના સરપંચોને ય ખ્યાલ ન હતો કે, ગામમાં શું કામો થયાં. આ બધાય કામોના લાખો રૂપિયા ચૂકવી દેવાયાં હતાં. કુઆ ગામમાં 17 કિમીના 44 રસ્તા અને રેઢાણા ગામમાં 13 કિમી રસ્તા મંજૂર કરાયા હતાં. આ માર્ગોની બે બે વાર મંજૂરી લેવાઇ હતી તે શંકાસ્પદ છે. ચેકડેમ, તળાવો, માટીમેટલના રસ્તા જ નહીં, હેન્ડપંપ-પાણીના બોર બનાવ્યાં વિના જ લાખો રૂપિયા ચૂકવી દેવાતાં આ આખોય મુદ્દો ચગ્યો હતો જેના પગલે સરકારને રહી રહીને તપાસના આદેશ આપવા પડ્યાં હતાં.
2019થી માંડી 2025 સુધી એક જ મોડસ ઓપરેન્ડીથી ભ્રષ્ટાચાર આચરાતો
સ્થાનિકોનો આરોપ છેકે, વર્ષ 2019થી માંડીને વર્ષ 2025 સુધી મંત્રીપુત્રો એક જ મોડસ ઓપરેન્ડીથી ભ્રષ્ટાચાર આચરતાં હતાં. એટલુ જ નહીં, સ્થાનિકોએ મુખ્યમંત્રીથી માંડીને ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી હોવા છતાંય કોઈ કાર્યવાહી થઈ ન હતી. મંત્રીની રાજકીય વગને આધારે મંત્રીપુત્રને અત્યાર સુધી ઉની આંચ આવી શકી નહી.
મંત્રીનો ભાણો પણ મનરેગામાં એપીઓ
મનરેગામાં એકબાજુ, મંત્રીપુત્રોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હતો તો બીજુ બાજુ, મંત્રીના ભાણા દિલિપસિંહ મનરેગામાં એપીઓ તરીકે નોકરી કરતાં હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યુ હતું. આમ, મંત્રીના ભાણાએ પણ મનરેગા યોજનામાં નોકરી મેળવી લાભ લીધો હતો. રાજકીય વગ આધારે નોકરી લીધી હોવાનો આરોપ છે.