
ડાંગ જિલ્લાના સાપુતારામાં અકસ્માતને મામલે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ચકચારી મચાવનાર સાપુતારા બસ અકસ્માતના ગુનામાં ટ્રાવેલ્સ માલિકો વિરુધ્ધ બનાવટી દસ્તાવેજો તેમજ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તારીખ ૦૨ ફેબ્રુઆરીના રોજ સાપુતારા ઘાટમાં બસ અકસ્માતમાં 6ના મોત થયા હતા અને ૪૫ જેટલા યાત્રીકોને નાની-મોટી ઇજા થઈ હતી. પોલીસે બનાવના સ્થળે ઉંડાણ પુર્વક તપાસ કરતા મહત્વનો ખુલાસો થયો છે.
પોલીસ તપાસમાં અકસ્માત થયેલ બસની નંબર પ્લેટ ખોટી હોવાનું, ફિટનેસ સર્ટિફિકેટ ન હોવાનું અને ટેક્સ બચાવવા માટે પરમીટ કરતા વધારે પસેનેજર બેસડવાનો ગુનો સામે આવ્યો છે. બસના રજીસ્ટ્રેશન નંબર પ્લેટ ઉપર પીળા કલરનુ ડુપ્લીકેટ સ્ટીકર ચોંટાડેલ હતું. બસના માલીકે ALL INDIA PERMIT નો ટેક્સ બચાવવા માટે ડુપ્લીકેટ નંબર પ્લેટ બનાવ્યાનો ખુલાસો થયો હતો.
આ પણ વાંચો : સાપુતારામાં યાત્રાળુ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 7ના મોત; 17 ઘાયલ સારવાર હેઠળ
બસના માલિક ઉત્તરપ્રદેશના રહેવાસી સંજય રમેશચંદ્ર તીવારી તેમજ ડુપ્લીકેટ રજીસ્ટ્રેશન નંબર પ્લેટની બસના માલીક ગોવિંદસિંહ રામસિંહ ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે. બસ માલિક આરોપીઓ વિરુધ્ધ સદર ગુનાના કામે નામદાર કોર્ટમાં BNS-૨૦૨૩ની કલમ ૧૦૫, ૩૧૮(૨), ૩૩૬(૩), ૩૪૧(૨),૩૪૧(૩), ૩૪૧(૪)૫૪નો ઉમેરો કરી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.