
ગુજરાત પોલીસ વિભાગમાં આગામી સમયમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. રાજ્યના સૌથી વરિષ્ઠ IPS અધિકારી અને વર્તમાન પોલીસ વડા (DGP) વિકાસ સહાય 30 જૂને નિયમ મુજબ નિવૃત્ત થઈ રહ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ફેરફારને કારણે પોલીસ દળમાં ઉચ્ચ સ્તરે નવી નિમણૂકો થવાની શક્યતાઓ છે. હાલના કેટલાક પોલીસ અધિકારીઓને ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન મળી શકે છે, અને ત્યારબાદ વધુ ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવે તેવી પણ સંભાવના છે.
હવે કોણ પ્રબળ દાવેદાર
આ બધા વચ્ચે, અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર જી.એસ. મલિકનું નામ નવા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) પદ માટે મોખરે ચાલી રહ્યું છે. 1993 બેચના આ અનુભવી IPS અધિકારીએ અગાઉ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માં પણ મહત્વપૂર્ણ કામગીરી બજાવી છે. અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા નોંધપાત્ર રહી છે, ખાસ કરીને રથયાત્રા જેવી મોટી ઘટનાઓ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાનું સફળ સંચાલન તેમના નેતૃત્વમાં થયું છે. વિકાસ સહાયની નિવૃત્તિ બાદ ગુજરાત પોલીસનું સુકાન કોણ સંભાળશે તે અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થવાની શક્યતા છે.