
ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણની તારીખો જાહેર થઈ ગઈ છે. તેમજ લગભગ તમામ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોને મેદાનમાં ઉતારી ઉમેદવારી પત્ર પણ નોંધાવ્યા છે. કિન્તુ હજુ પણ કેટલીક જગ્યાએ કોંગ્રેસ તેમજ ભાજપમાં અમુક નેતાઓને ટિકિટ ન મળતા કાં તો તેમણે બળવો પોકાર્યો છે કાં તેઓએ પક્ષ પલટો કરી અન્ય રાજકીય પાર્ટીમાં જોડાયા છે.
ધોરાજીમાં ત્રણ નેતા કોંગ્રેસ છોડી આપમાં જોડાયા
ધોરાજી નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો મળ્યો છે. જેમાં કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણીમાં અવગણના કરતા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ આશિષ જેઠવા પક્ષ પલટો કરી આપમાં જોડાયા છે. આ સાથે પૂર્વ કોર્પોરેટરના પતિ ધર્મેશ રાજ્યગુરુ પણ આપમાં જોડાયા છે. કોંગ્રેસ ઉપપ્રમૂખ જય ટોપીયાએ પણ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. જેને પગલે ધોરાજીમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો લાગ્યો હતો.
જામજોધપુર ભાજપમાં ભડકો, બે પીઢ નેતા આપમાં જોડાયા
જામજોધપુર ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. જેમાં ભાજપના પૂર્વ નગરપાલિકા પ્રમુખે આમ આદમી પાર્ટીમાં જોડાઈને ઉમેદવારી નોંધાવી છે. જામજોધપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ વિંઝુડા આપના ઉમેદવાર બન્યા છે. તેમજ વોર્ડ નં 5માંથી વર્ષોથી કામ કરતા ભાજપના અગ્રણી વિરાભાઈ કટારા પણ આમ આદમી પાર્ટીમાં જોડાતા ભાજપને ભારે ઝટકો લાગ્યો છે.
રાજકોટમાં પીઢ અને જુના નેતાની ટિચિટ કપાતા તેનો સીધો ફાયદો કોંગ્રેસને
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકોટ જિલ્લામાં જેતપુર તેમજ ભાયાવદર ભાજપમાં ભડકા મામલે લલિત વસોયાએ નિવેદન આપ્યું છે. ભાજપમાં ભંગાણના કારણે કોંગ્રેસને સીધો જ ફાયદો થવાનો છે. લલિત વસોયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે સત્તાના મદમાં ભાજપના કાર્યકરોની પાર્ટી દ્વારા સતત અવગણના થઈ છે.
જેતપુરના પૂર્વ પ્રમુખની ટિકિટ કપાઈ હતી. ભાજપમાં પાયાના પથ્થરો સમાન લોકોને અવગણના થતી હોવાથી સીધો ફાયદો કોંગ્રેસને થશે. જેતપુરમાં રાજકીય રીતે બેનિફિટ થશે તે રીતે કોંગ્રેસ આગળ વધશે. રાજકીય સર્ચ મુજબ હાઈ કમાડે ટિકિટોના આપી હોવાના લલિત વસોયાએ આક્ષેપ લગાવ્યા હતા.
જેતપુરમાં જયેશ રાદડિયા દ્વારા પૂર્વ પ્રમુખને મનાવવાના પ્રયાસો
જેતપુર પાલિકાની ચૂંટણીમાં રાજકારણ ગરમાયુ છે. પૂર્વ પ્રમુખને મેન્ડેટ ન આપતા ભાજપમાં ભૂકંપ થયો છે. પૂર્વ પ્રમુખને મેન્ડેટ ન આપતા ભાજપના 42 ઉમેદવારોએ જાહેર સમર્થન કર્યું છે. પૂર્વ પ્રમુખના કાર્યાલયમાં ગઈ કાલે 42 ઉમેદવારોની મીટીંગ બોલાવી ઉમેદવારીપત્ર પરત ખેંચવાની ચીમકી આપી હતી. જયેશ રાદડિયાના નિવાસ સ્થાને આ મામલે બેઠક ચાલી રહી છે. ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડેમેજ કન્ટ્રોલ શરૂ કર્યું છે. જેમાં પૂર્વ પ્રમુખને મનાવવા માટે પ્રયાસો જયેશ રાદડિયા શરૂ કર્યા છે. સાંજ સુધીમાં ઘીના ઠામમાં ઘી પડે જશે તેવા એંધાણ સામે આવી રહ્યા છે.