
રાજ્યમાં અકસ્માતની 4 ઘટનાઓમાં 5 લોકોના મોત થયા છે. સુરતમાં હિટ એન્ડ રનની ઘટના ઘટી છે, જેમાં એક રાહદારીનું મોત થયું છે. તો કચ્છના ભચાઉમાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. નડિયાદમાં કારનું ટાયર નીકળતા એક યુવકનું ઘટનાસ્થળે મોત થયું છે. તો વલસાડમાં પણ અક્સ્માતની એક ઘટના ઘટી છે.
નડિયાદમાં કારનું ટાયર નીકળતા યુવકનું ઘટનાસ્થળે મોત
ખેડા જિલ્લાના નડિયાદમાં નેશનલ હાઇવે પર પીજ ચોકડીથી પીપલજ ચોકડી તરફ પૂરપાટ ઝડપે જતી ટીયાગો કારનું પાછળનું ટાયર નીકળી હતા કાર રેલિંગ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કારચાલક યુવકનું ઘટનાસ્થળે મોત થયું છે, જયારે કારમાં સવાર અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ભચાઉમાં કટારિયા ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કટારિયા ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં બેઠેલા 3 લોકોના મોત થયા છે. જેમાં 2 મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. જ્યારે આ અકસ્માતમાં 10 થી 12 લોકોને નાની-મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને લાકડીયા સામૂહિક કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ખાખરેચી ગામના કોળી સમાજનો પરિવાર માતાના મઢ આશાપુરા માતાજીના દર્શને ગયો હતો. ત્યાંથી પરત ફરતા સમયે શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજતાં હાઇવે પર મરણચીસો ગૂંજી હતી.
સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં એક રાહદારીનું ઘટનાસ્થળે મોત
સુરતમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી. ધામરોડ ગામ પાસે અજાણ્યા વાહને એક રાહદારીને અડફેટમાં લીધો હતો. ઘટનામાં ગંભીર ઈજાઓના કારણે રાહદારીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કોસંબા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે..છેલ્લા 24 કલાકમાં નેશનલ હાઇવે 48 પર હિટ એન્ડ રનની ઘટનામાં બે લોકોના મોત થઈ ચૂક્યા છે.
વલસાડમાં કાર પલટી, યુવક-યુવતીનો બચાવ
વલસાડના પારડી નજીક પૂરપાટ ઝડપે દોડતી કાર પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર એક યુવક અને યુવતીનો ચમત્કારિક બચાવ થયો હતો. ઓવર ટેક કરવાની લહાયમાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર પલટી મારતા જ CNG કીટ કારમાંથી છૂટી પડી બહાર ફંગોળાઈ હતી. ઘટનાને કારણે હાઇવે પર દોડધામ થઈ જવા પામી હતી.