
ગુજરાત વિધાનસભામાં 27 તારીખે 300 જેટલા કલાકારોને આમંત્રણ આપવામાં આવશે. 27 તારીખે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝના કલાકારોને વિધાનસભા ગૃહની કાર્યવાહી નીહાળવા માટે આમંત્રણ આપવામાં આવશે. 300 જેટલા કલાકારો, એક્ટર-એક્ટ્રેસ, સંગીત વાદકને આમંત્રણ આપવામાં આવશે.
300 જેટલા કલાકારોને ગુજરાત વિધાનસભામાં આમંત્રણ અપાશે
ગુજરાત વિધાનસભામાં દરેક જિલ્લામાંથી ફિલ્મ અને સાંસ્કૃતિક ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોને આમંત્રણ આપવામાં આવશે. પહેલા લોક સાહિત્યકારને આમંત્રણ આપીને ગૃહની કામગીરી બતાવવામાં આવી હતી. વિક્રમ ઠાકોર સહિતના કલાકારોને વિધાનસભા ગૃહમાં ના બોલાવવામાં આવતા વિવાદ થયો હતો. કલાકારોને આમંત્રણ આપવા માટે કલાકાર અને પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા અને ભાજપ સાંસ્કૃતિક સેલના ઇન્ચાર્જ જનક ઠક્કરને જવાબદારી સોપવામાં આવી છે.
વિધાનસભા ગૃહમાં કલાકારોની મુલાકાત પર થયો હતો વિવાદ
ગુજરાત વિધાનસભા ગૃહમાં માર્ચ 2025માં કલાકારોની મુલાકાતને લઈને એક વિવાદ ઉભો થયો હતો, જેમાં કલાકારો સાથે ભેદભાવ અને આમંત્રણની પ્રક્રિયાને લઈને આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા હતા. આ ઘટનાની શરૂઆત 10 માર્ચ, 2025ના રોજ થઈ, જ્યારે ભીખુદાન ગઢવી, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી, કિંજલ દવે, ગીતા રબારી, જિગ્નેશ કવિરાજ, રાજભા ગઢવી જેવા જાણીતા ગુજરાતી કલાકારો વિધાનસભાની કાર્યવાહી જોવા માટે હાજર રહ્યા હતા. આ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું, પરંતુ આ મુદ્દે વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કેટલાક રાજકીય નેતાઓએ આ આમંત્રણ પાછળની પ્રક્રિયા અને ઉદ્દેશ પર સવાલ ઉઠાવ્યા.
18 માર્ચ, 2025ના રોજ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ મામલે વિધાનસભામાં નિવેદન આપ્યું અને સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ પર આરોપ લગાવ્યો કે કલાકારો સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો કે કેટલાક કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જ્યારે અન્યોને ઇરાદાપૂર્વક બાકાત રાખવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને લોકપ્રિય ગાયક વિક્રમ ઠાકોરનું નામ ચર્ચામાં આવ્યું. આ ભેદભાવના આરોપે ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો.
આમ, વિધાનસભા ગૃહમાં કલાકારોના વિવાદનો મુખ્ય મુદ્દો આમંત્રણમાં ભેદભાવના આરોપો અને ગૃહની કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન હતો. આ મામલે રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપો ચાલુ રહ્યા, જેનાથી ગુજરાતના કલાકારોના સન્માન અને સરકારની નીતિઓ પર પણ ચર્ચા ઉઠી હતી.