
Chaitri Navratri 2025 : આજથી ચૈત્ર મહિનાની શરૂઆત સાથે ચૈત્રી નવરાત્રિનો પણ પ્રારંભ થશે. ચૈત્ર નવરાત્રિ નિમિત્તે શક્તિપીઠ અંબાજી, ચોટીલા, પાવાગઢ, બહુચરાજી સહિતના માઇ મંદિરોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યા છે. આ જ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હોવાથી તેને સૃષ્ટિનો પ્રારંભ દિન પણ કહેવામાં આવે છે.
ઘટ સ્થાપન માટે સવારે 8:10થી 9:50, સવારે 11:50થી 12:45નું મુહૂર્ત : પાંચ એપ્રિલે દુર્ગાષ્ટમી
ચેૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે ત્યારે સૂર્યોદય વ્યાપીની એકમ તીથિ 12:50 સુધી છે અને સાંજે 5:54થી વૈઘુતિ યોગ શરૂ થાય છે. ઘટ સ્થાપનનો સમય આજે સવારે 8:10થી 9:50 અને સવારે 11:50થી બપોરે 12:45 છે. શક્તિપીઠ અંબાજીમાં આજે ઘટસ્થાપનનો સમય સવારે 9:15ના છે. આ વર્ષે બીજું અને ત્રીજું નોરતું એક જ દિવસે છે. ચૈત્ર સુદ આઠમ આગામી પાંચ એપ્રિલ-શનિવારના છે જ્યારે 6 એપ્રિલના ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહૂતિ થશે.
આજથી પવિત્ર ચૈત્રી ઉત્સવનો શુભારંભ થયો છે ત્યારે ચૈત્રી ઉત્સવનું ધાર્મિક ખૂબ મહત્ત્વ રહેલું છે. ચૈત્રી નવરાત્રિ એટલે માતાજીની ઉપાસનાનો ઉત્સવ. શક્તિપીઠ બહુચરાજીમાં આજે સવારે ઘટસ્થાપન વિધિ યોજાઈ હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન વિધિ યોજાઈ જેમાં ગુજરાતના ખૂણેખૂણેથી માઈભક્તો દર્શન માટે ઉમટ્યાં હતા. ત્યારે મા બહુચરના પાવનકારી દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી.
આજથી ચૈત્રી નવરાત્રિના પ્રારંભ સાથે જ વહેલી સવારથી પાવાગઢ ખાતે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. ચૈત્રી નવરાત્રિના પ્રથમ દર્શન માટે મળસ્કે ચાર વાગ્યે નિજ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યા હતા. માતાજીના જયઘોષ સાથે ચૈત્રી નવરાત્રિના દર્શનનો પ્રારંભ થયો હતો. પ્રથમ નવરાત્રિના દર્શન માટે ગત રાતથી જ દર્શનાર્થીઓએ પાવાગઢ ઉપર આશરો લીધો હતો. મળસ્કે મંદિર ખુલતા જ હજારો ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો. ચૈત્રી નવરાત્રિમાં પાવાગઢ ખાતે મહાકાળી માના દર્શનનો મહિમા છે.જેના માટે દેશના ખૂણે-ખૂણેથી શ્રદ્ધાળુઓ પાવાગઢ ખાતે આવતા હોય છે. મોટી સંખ્યામાં આવતા ભક્તો સુગમતાથી દર્શન કરી શકે તે માટે પાવાગઢ ખાતે તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવતી હોય છે.આ વર્ષે પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતેથી અન્નક્ષેત્ર અને વિશ્રામગૃહ પણ શરુ કરવામાં આવ્યું હોવાથી દર્શનાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓમાં વધારો થયો છે. ત્યારે આજે મળસ્કે મંગળા આરતી સાથે પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિના દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દર્શનનો લ્હાવો લઈને શ્રદ્ધાળુઓ ભાવવિભોર થયા હતા.
પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે.નવ દિવસ સુધી અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે. અહીં દુર્ગાષ્ટમીની અને રામ નવમીના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના તાજા અને રંગબેરંગી ફૂલોથી માતાજીની આંગી રચના કરવામાં આવી છે. તેમ જ યજ્ઞ કરવામાં આવશે. આ ઉપરાંત મંદિરના પ્રાંગણમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આમ પાટણના નગરદેવી માતા કાલિકા માતાનું મંદિર આજે ચૈત્રી નવરાત્રિને લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભક્તિસભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું છે.
ચૈત્રી નવરાત્રિ પ્રથમ નોરતે ચામુંડાધામ એવા ચોટીલામાં ભાવિકોની ભીડ જમા થઈ હતી. માતાજીનો ડુંગર ચઢવા વહેલી પરોઢે જ હજારો શ્રધ્ધાળુઓ પહોચ્યાં હતા. હિન્દુ ધર્મમાં આસો અને ચૈત્રી નવરાત્રિનું અનોખું મહાતમ છે. નવવર્ષ નાં પ્રારંભે આજે ચોટીલા ખાતે ભક્તોનાં ઘોડાપૂર ઉમટ્યાં છે. ચૈત્રી નવરાત્રિનાં પ્રારંભે ચોટીલા ડુંગરની પરિક્રમા પણ યોજાશે.ધર્મસભાના આયોજન બાદ પરિક્રમાનો પ્રારંભ થશે. ભીડ અને ટ્રાફિકને સંભાળવા વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આરોગ્યની ટીમ પણ પરિક્રમા દરમ્યાન તૈનાત રહેશે. નવ દિવસ માતાજીને વિશેષ શણગાર કરવામાં આવશે. અલગ અલગ દેવી સ્વરૂપના પરિધાન કરાશે.