
ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વિધાનસભા પેટા ચૂંટણીમાં ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે, વિસાવદર અને કડી વિધાનસભા બેઠક ખાલી હોવાથી ત્યાં પેટા ચૂંટણી ગમે ત્યારે યોજાઈ શકે છે. એવામાં હવે આ બંને બેઠકો પર ગઠબંધન વિના ત્રિપાંખિયો જંગ જોવા મળશે.
ગુજરાતમાં કોંગ્રેસ પેટા ચૂંટણીમાં AAP સાથે ગઠબંધન નહીં કરે
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે જાહેરાત કરી છે કે, 'વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન નહીં કરે. આ બંને બેઠકો પર કોંગ્રેસ તરફથી ઉમેદવાર જાહેર કરવામાં આવશે.'
ગઠબંધન વિશે વાત કરતાં શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, 'ગઠબંધનનો કેટલોક નિયમ હોય છે. કેન્દ્રમાં અમારૂ ગઠબંધન યથાવત છે, પરંતુ રાજ્ય અંગે હાઇ કમાન્ડ તરફથી સ્વતંત્રતા આપવામાં આવી છે. એટલે પેટા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ બંને પોતાના ઉમેદવારો ઉતારશે.'
શક્તિસિંહ ગોહિલના AAP પર પ્રહાર
કોંગ્રેસ પોલીટીકલ અફેર્સની બેઠક મળી હતી જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે AAP પર પ્રહાર કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ગુજરાતમાં ક્યારેય ત્રીજો મોરચો સ્વીકારવામાં આવતો નથી. વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ હવા ઉભી કરી કોંગ્રેસના મત તોડ્યા હતા. વિસાવદર બેઠક પર AAPએ કોંગ્રેસ સાથે ચર્ચા કર્યા વગર જ પોતાનો ઉમેદવાર ઉભો કરી દીધો છે. કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે."
વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલિયા પેટા ચૂંટણી લડશે
નોંધનીય છે કે, વિસાવદરમાં ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દેતા બેઠક ખાલી પડી હતી. તેમજ કડી વિધાનસભા બેઠક પરથી કરશન સોલંકીના નિધનના કારણે બેઠક ખાલી પડી હતી. જોકે, આમ આદમી પાર્ટી તરફથી વિસાવદર બેઠક પરથી પહેલાંથી જ ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. વિસાવદર બેઠક પરથી ગોપાલ ઈટાલિયા પેટા ચૂંટણી લડશે. કોંગ્રેસ પણ ખૂબ જ જલ્દી કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરશે. જોકે, અગાઉ આપ નેતા ઈસુદાન ગઢવીએ વિસાવદરમાં ઉમેદવાનર ન ઊભા રાખવા કોંગ્રેસને અપીલ કરી હતી.