
Coroana: કોરોના વાયરસના કેસમાં સતત વધારો અને એક્ટિવ કેસ વધતા હવે એ દિવસો ટૂંક સમયાં દૂર નથી જ્યારે કેસોનો રાફડો ફાટી નીકળશે. છેલ્લા 3 વર્ષ કરતાં વધુ સમયથી ટાંપીને બેઠેલા કાળમુખા કોરોનાએ એકવાર ફરી ઉથલો માર્યો છે. જેમાં ભરૂચ શહેરમાં કોરોનાનો આજે પ્રથમ કેસ નોંધાયો છે. ભરૂચ શહેરના વેજલપુરમાં પરિણીત મહિલામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા બાદ તેને ખાનગી હોસ્પિટલમાં ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવતા હતી. જેથી મહિલાને તાબડતોબ ભરૂચની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલ તો મહિલાને સિવિલના કોવિડ સ્પેશિયલ આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે. કોરોનાનો પ્રથમ કેસ આવતાની સાથે જિલ્લા આરોગ્યની ટીમ સતર્ક થઈ છે.
સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનો એરું આભડી ચુક્યો છે. જેમાં જામનગરમાં આજે વધુ પાંચ કોરોનાના નવા નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જામનગર શહેરમાં અત્યાર સુધી કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 16 થઈ છે. કોરોનાગ્રસ્ત તમામ દર્દીઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.
અમદાવાદમાં 1 દિવસના નવજાતને કોરોના થયો, અઠવાડિયા અગાઉ માતાને કોરોના થયો હતો
દેશ-દુનિયામાં કોરોનાના વધતા કેસને લઈને લોકોની ચિંતામાં વધારો થયો છે. આ દરમિયાન એક ચોંકવાની માહિતી સામે આવી છે. જેમાં અમદાવાદમાં એક દિવસના નવજાતને કોવિડ પોઝિટિવ આવ્યો છે. જોકે, બાળકની માતાનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે, બાળક જન્મ્યુ ત્યારે માતા કોવિડ પોઝિટિવ હતી પરંતુ બાળકના જન્મ બાદ માતાનો ફરી રિપોર્ટ કરતા માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો પરંતુ બાળકનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ, બાળકનું વજન ઓછું હોવાના કારણે તેને NICUમાં રાખવામાં આવ્યું છે.
સોલા સિવિલમાં 2 કોરોનાના દર્દી લઈ રહ્યા છે સારવાર
હાલ, અમદાવાદના સોલા સિવિલમાં 2 કોવિડ પોઝિટિવ દર્દીની સારવાર થઈ રહી છે. જેમાંથી એક નવજાત બાળક છે અને અન્ય એક 23 વર્ષની મહિલા છે. હાલ, બાળક અને મહિલા બંનેને ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
અમદાવાદમાં કોરોનાના કુલ પાંચ દર્દીઓ સારવાર હેઠળ
ગુજરાતમાં સોમવારે સાંજ સુધીમાં કોરોનાના 109 દર્દીઓ હતા. જેની સરખામણીએ હવે દર્દીઓનો આંક હવે બે ગણો વધી ગયો છે. હાલ સૌથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ હોય તેમાં અમદાવાદ 145 સાથે મોખરે છે. અમદાવાદમાં કુલ પાંચ દર્દીઓ હાલ સિવિલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાં અસારવા સિવિલમાં 3 દર્દીઓ છે. જેમાં 44 વર્ષીય પુરૂષ, 67 વર્ષીય મહિલા અને 8 માસની બાળકીનો સમાવેશ થાય છે. આ સિવાય સોલા સિવિલમાં બે દિવસનું નવજાત બાળક અને 23 વર્ષની મહિલા કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
શું છે રાજ્યભરમાં કોરોનાની સ્થિતિ?
ગુજરાતમાંથી અન્યત્ર રાજકોટ કોર્પોરેશનમાં 23, જામનગર કોર્પોરેશનમાં 11, સુરત કોર્પોરેશનમાં 9 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અન્ય રાજ્યની વાત કરવામાં આવે તો જામનગરમાં 11, સુરતમાં 9, ભાવનગર કોર્પોરેશનમાં 7, કચ્છ-મહેસાણામાં 6-6, ગાંધીનગર કોર્પોરેશનમાં 5, બનાસકાંઠા-ભાવનગર ગ્રામ્ય-જૂનાગઢ-ખેડામાં 2-2 દર્દીઓ હાલ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
કોરોનાના તમામ દર્દીઓના સેમ્પલ હાલ જીનોમ સિકવન્સ માટે ગાંધીનગર મોકલવામાં આવે છે. જેના આધારે તેમને કયો વેરિયન્ટ છે તે ચકાસાય છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હાલ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ડૉક્ટરોના મતે, શંકાસ્પદ લક્ષણ દેખાય તેમણે ટેસ્ટ કરાવી લેવો હિતાવહ છે.