
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્ત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે શનિવારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી. જેમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્ત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાખીનો કહેર
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કુખ્યાત ગુનેગારોની લિસ્ટ તૈયાર કરવામાં આવી હતી. તેમના ઘરોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. પાણી, ગેસ, વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લો, પાટણ જિલ્લો, અમરેલી જિલ્લો, અમદાવાદ જિલ્લામાં કોમ્બિંગ હાથ ધરીને ગુન્હેગારોની શાન ઠેકાણે લાવવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં 57 લુખ્ખાતત્વોના વીજ કનેકશન કપાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તત્વોના ઘરે ચેકિંગ કરી 57 જેટલા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. તેમજ 14 લાખથી વધુના દંડની પણ વસુલાત કરવામાં આવી..સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ જોરવનગર વિસ્તારમાં 14 જેટલા કનેક્શનનો દૂર કરવામાં આવ્યા..પીજીવીસીએલ અને પોલીસ વિભાગનું સંયુક્ત ઓપરેશન કર્યુ હતું.
સાયલામાં 15 બુટલેગરોના ઘરો પર તવાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.સાયલા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી અસામાજિક તત્વો અને ગુના કરતાં લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.. પોલીસ દ્વારા ખનીજ અને કેમિકલ ચોરી જેવા ગુનાઓ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં 5 લોકો સામે PGVCL દ્વારા વીજ ચોરીના ગુના માટે કુલ 3 લાખ 15 હજાર રૂપિયાનો દંડ લાગુ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, એસએમસી દ્વારા 15 મોટા બુટલેગરો અને અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકત અને બાંધકામ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને, સાયલા ચોટીલા હાઇવે પર એક હોટલના બાંધકામના નકશામાં ફેરફાર કરવાના કેસમાં પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે.
પાટણ જિલ્લામાં 163 અસામાજિક તત્વો પર પોલીસનું એક્શન
પાટણ સહિત જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ આચરતા તત્વોની પોલીસે યાદી તૈયાર કરી છે.જે અંતર્ગત દારૂ, જુગાર ,સર્વિસ સંબંધિત લેન્ડગ્રેબિંગ ખનીજ ચોરી જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલાઓની યાદી તૈયાર કરવામાં આવી છે.550 ગુનામાં સંડોવાયેલા 163 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે.7 વ્યક્તિઓ વિરુદ્ધ પાસાની દરખાસ્ત અને 1 સામે તડીપારની દરખાસ્તની કાર્યવાહી કરાઈ છે.પોલીસે ત્રણ દિવસની સ્પેશિયલ ડ્રાઇવ યોજી અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
અમરેલી જિલ્લામાં ગુનેગારોના ઘરોમાં કોમ્બિંગ
અમરેલી જિલ્લામાં તોફાની તત્વો અને ગેરકાયદેસર વીજળી કનેક્શન્સ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ સીધી દેખરેખ હેઠળ, પોલીસ અને પીજીવીસીએલની સંયુક્ત ટીમ દ્વારા ગુન્હેગારોના ઘરો અને વિસ્તારોમાં દરોડા પાડીને ગેરકાયદેસર કનેક્શન્સની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 6 ગુન્હેગારો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને વીજ વિભાગ દ્વારા કુલ રૂપિયા 4 લાખ 75 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન, ગુન્હેગારોની શાન ઠેકાણે પાડવા પોલીસ અને વીજ વિભાગની સંયુક્ત ટીમે કડક પગલાં લીધા છે.
રાજકોટ જિલ્લામાં પણ પોલીસનું સઘન ચેકિંગ
રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા પોલીસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદ લોકોના ઘરમાં ચેકિંગ હાથ ધરાયુ હતુ.ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ડામોર અને તેમની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ હતું.તડીપાર અને નાસતા ફરતા આરોપીઓની તપાસ હાથ ધરવામા આવી હતી.
સુરત જિલ્લામાં 1400 ગુનેગારોની યાદી તૈયાર
સુરત પોલીસ દ્વારા 100 કલાકમાં તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારોને લઈને લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે. જેમાં 1400 ગુનેગારોની યાદી તૈયાર થઈ છે. પોલીસ દ્વારા તમામ વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર નજર રાખીને અને તેની સાથે સંકળાયેલા લોકોનું લિસ્ટ તૈયાર કરી આગામી દિવસોમાં એક્શન પ્લાન મુજબ કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી છે.સુરત પોલીસ દ્વારા તૈયાર કરાયેલા 1400 ગુનેગારોની યાદીમાં 350 હાર્ડકોર ક્રિમિનલનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. સમગ્ર શહેરમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા ગુનાખોરીના કામો ઉપર રોક લગાવવા માટે સુરત પોલીસ દ્વારા હવે તૈયારી કરી દેવામાં આવી છે.