Home / Gujarat / Gandhinagar : Exercise underway to name Gujarat BJP state president

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ મુદ્દે આંતરિક ખેંચતાણ; શાહ,પાટીલ,આનંદીબેન જૂથમાંથી કોણ ફાવશે? દિલ્હી પર નજર મંડાઇ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ મુદ્દે આંતરિક ખેંચતાણ; શાહ,પાટીલ,આનંદીબેન જૂથમાંથી કોણ ફાવશે? દિલ્હી પર નજર મંડાઇ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂંકને લઇને દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ પર દિવસભર બેઠકોનો દોર ચાલ્યો હતો. રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પછી તરત જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. જોકે ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખને લઇને આંતરિક ખેંચતાણ જામી છે. અમિત શાહ, આનંદીબેન પટેલ અને સી.આર.પાટીલ જૂથ રાજકીય લોબિંગ કરી રહ્યુ છે. હવે ક્યુ જૂથ ફાવશે તે 20મી પછી ખબર પડશે. અત્યારે તો સૌની નજર દિલ્હી પર નજર મંડાઇ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગુજરાતમાં OBC નેતાને ભાજપનું સુકાન સોપાઇ શકે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને સ્થાને કોની નિમણૂંક કરવી તે મામલે કોકડુ ગૂંચવાયુ છે. RSS અને ભાજપ વચ્ચે મથ્થાપચ્ચી ચાલી રહી છે જેના કારણે મડાગાંઠ સર્જાઇ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. આજે દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતીમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને ચર્ચાનો દોર ચાલ્યો હતો. હવે કોના નામ પર પસંદગીનો કળશ ઢોળાશે તે હજુ નક્કી થઇ શક્યુ નથી.

આ તરફ, ગુજરાતમાં પણ OBC નેતાને ભાજપનું સુકાન સોંપાય તેમ છે.જોકે, એવી ચર્ચા છેકે, અમિત શાહ પોતાના જૂથના વ્યક્તિને પ્રમુખ પદ અપાવવા સક્રિય થયાં છે. તો બીજી બાજુ, કેન્દ્રીય મંત્રીપદ મેળવ્યાં પછી ય સી.આર.પાટીલ ગુજરાતમાં પોતાનો રાજકીય દબદબો કાયમ રાખવા મથામણ કરી રહ્યાં છે કેમ કે, હવે પછી જે ગુજરાત પ્રદેશ પ્રમુખ આવશે તે પાટીલના માનિતાઓને જ નહીં, આખી દક્ષિણ ગુજરાત લોબીને સાઇડલાઇન કરે તેવી સંભાવના પ્રવર્તી રહી છે. આ જોતાં પાટીલે પ્રદેશ પ્રમુખની નિમણૂંકમાં ઉંડો રસ દાખવ્યો છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતના આંટાફેરા વધાર્યાં છે. સાથે સાથે તેમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહની પણ મુલાકાત કરી છે. જે સૂચક મનાઇ રહ્યુ છે.આ ત્રણેય જૂથો ગુજરાત સંગઠન પર કબ્જો મેળવી એકબીજાનું પત્તુ કાપવાના મૂડમાં છે.

રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂંક થયા બાદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનો મામલો હાઇકમાન્ડ હાથ પર લેશે તેમ સૂત્રોનું કહેવુ છે. આમ, ગુજરાત ભાજપ પ્રદેશ કોણ બનશે તે વાતને લઇને તર્કવિતર્ક મંડાયા છે.

 

Related News

Icon