
ગાંધીનગરની 17 વર્ષના આશરાની એક સગીરાના 24 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીમાં નાટયાત્મક વળાંક આવ્યો હતો. સગીરાના પિતા દ્વારા હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરી જાહેર કરાયું હતું કે, તેમની પુત્રી બાળકને જન્મ આપશે અને પરિવાર આ બાળકનો ઉછેર કરવા માંગે છે. અરજદાર તરફથી પોતાની અરજી પાછી ખેંચી લેવાતાં હાઇકોર્ટે સોગંદનામાંને રેકર્ડ પર લઇ આખરે કેસનો નિકાલ કર્યો હતો.
16 વર્ષ અને 11 મહિનાની સગીરાના પિતા કે કરી હતી હાઈકોર્ટમાં અરજી
દુષ્કર્મનો ભોગ બનેલી 16 વર્ષ અને 11 મહિનાની સગીરાના પિતા દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી અરજીમાં અગાઉ તેમની પુત્રીના 24 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપવા અદાલતને વિનંતી કરી હતી. હાઇકોર્ટે આ કેસમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલને સગીરાનું સંપૂર્ણ મેડિકલ ચેક અપ કરી તેની માનસિક-શારીરિક સ્થિતિ ઘ્યાને લઇ વિગતવાર મેડિકલ રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો.
બાળકને જન્મ આપશે અને પરિવાર આ બાળકનો ઉછેર કરશે
આજે સિવિલ હોસ્પિટલ તરફથી મેડિકલ રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકાવાનો હતો પરંતુ તે વચ્ચે સરકારપક્ષ દ્વારા કોર્ટને જાણ કરાઇ હતી કે, પીડિતા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે પરંતુ તે મેડિકલ ચેક-અપ કરાવવા ઇચ્છતી નથી. તેના પરિવારના લોકો બાળકને જન્મ આપવા માંગે છે. બીજીબાજુ, સગીરાના પિતાએ પણ કોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરી જણાવ્યું હતું કે, તેમની પુત્રી બાળકને જન્મ આપવા ઇચ્છે છે અને તેમનો પરિવાર આ બાળકને સારી રીતે ઉછેરવા માંગે છે.
બધા સગા-સંબધી સાથે પુખ્ત વિચાર વિમર્શ બાદ પરિવાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. તેથી હવે અરજદાર પોતાની રિટ અરજી પણ પાછી ખેંચી લેવા માંગે છે. હાઇકોર્ટે પણ અરજદાર પિતાના સોંગદનામાંને ઘ્યાનમાં લઇ અરજી પાછી ખેંચવાની પરવાનગી આપી કેસનો નિકાલ કર્યો હતો.