
Gandhinagar News: ગુજરાતના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓને એક જ ડિજિટલ માધ્યમથી સાઈન-ઈન કરીને સુવિધા મળી રહે તે માટે ગુજરાત વહીવટી સુધારણા પંચ(GARC)ની રચનાની જાહેરાત થયાના બે મહિનામાં 11 જેટલી ભલામણો મળી છે. આ તમામ ભલામણોને પંચ દ્વારા મુખ્યમંત્રીને ભૂપેન્દ્ર પટેલને મોકલવામાં આવી હતી. જેમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ દ્વારા સરકારી વેબસાઇટ-સેવા પોર્ટલ્સ યુઝર ફ્રેન્ડલી બનાવવા સહિતની ભલામણોને લઈને સરકારને સલાહ આપી હતી.
GARCની રચના બાદ છેલ્લા બે મહિનામાં 11 જેટલી ભલામણો પંચને મળી છે, ત્યારે પંચ દ્વારા તમામ ભલામણોને લઈને રાજ્ય સરકારને સલાહ-સૂચનો આપ્યા છે. આ ભલામણ અહેવાલને લગતી માહિતી GARCની વેબસાઇટ garcguj.in ઉપરથી મળી રહેશે.
ગુજરાત વહીવટી સુધારણા પંચની સરકારને સલાહ
- સરકારી વેબસાઇટ્સ અને ઍપ્લિકેશન્સની ગુણવત્તા. સુલભતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, ઑગસ્ટ 2025 સુધીમાં બધી સરકારી વેબસાઇટ્સનું મૂલ્યાંકન કરવા અને ભારત સરકારની વેબસાઇટ્સ અને ઍપ્લિકેશન્સ માટેની (GIGW 3.0) માર્ગદર્શિકાનું પાલન કરવા.
- નાગરિક ચાર્ટરને અસરકારક બનાવવા.
- સરકારી સેવા વિતરણ પોર્ટલોને સિટિઝન ફ્રેન્ડલી બનાવવા.
- ટેક-ઇનેબલ્ડ QR-આધારિત ટૅક્નોલૉજી દ્વારા સરકારી પ્રમાણપત્રોની ચકાસણી થઈ શકે તેવી વ્યવસ્થા કરવા.
- SWAGAT પ્લેટફોર્મને વધુ વ્યાપક બનાવવા.
- અસરકારક જ્ઞાન વ્યવસ્થાપન દ્વારા સંસ્થાકીય જ્ઞાનને મજબૂત બનાવવા.
- સરકારી વાહનો માટે વાહન નિકાલ પ્રોટોકોલ.
- બધી જાહેર કચેરીઓ માટે બિન-ઉપયોગી ફર્નિચરના નિકાલ માટેનો પ્રોટોકોલ.
- શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની કચેરીઓમાં અસરકારક કાર્યદિવસ વ્યવસ્થાપન દ્વારા ઉત્પાદકતામાં વધારો લાવી શકાય તે માટે કચેરીનો સમય સવારે 9:30થી સાંજે 5:10 કરવો.
- સરકારી સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના માધ્યમથી સરકાર દ્વારા કરવામાં આવતી રોજિંદી પ્રવૃત્તિઓ તેમજ સ્થાનિક સ્તરે વિવિધ યોજનાઓ, સક્સેસ સ્ટોરીને લગતા ઇન્ફોગ્રાફિક્સ, સમજૂતીવાળા વીડિયોઝ્ વગેરે જનતા સુધી સરળતાથી પહોંચે તે મુજબના પગલાં લેવા.