
એક તરફ, ભાજપને ડોનેશન આપવા દાતાઓની લાંબી લાઇન લાગી છે ત્યારે કોંગ્રેસ નાણાંભીડ અનુભવી રહી છે. નાણાંના અભાવે પક્ષ ચલાવવો પણ મુશ્કેલ બન્યો છે. એટલુ જ નહીં, કોંગ્રેસ પાસે ચૂંટણી લડવા માટેના ય પૈસા નથી. આ સંજોગોમાં હવે કોંગ્રેસ હાઇકમાન્ડે 'ડોનેટ ફોર નેશન'ની જેમ ફંડ ઉઘરાવવા તૈયારીઓ કરી છે.
કોંગ્રેસની તિજોરી ખાલી થઇ
કોંગ્રેસની તિજોરી ખાલી થઇ છે. એટલી હદે કે, પક્ષના કાર્યક્રમ માટે પણ પૈસા રહ્યાં નથી. પક્ષની નાણાકીય સ્થિતી કફોડી બની છે ત્યારે હવે હાઇકમાન્ડે ફંડ ઉઘરાવવા માટે ન્યૂ કન્સેપ્ટ તૈયાર કર્યો છે. વર્ષ 2023માં કોંગ્રેસે ડોનેટ ફોર નેશન યોજના અમલમાં મુકી હતી. તે જ આધારે ભંડોળ એકઠુ કરવા આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાલિકાથી માંડીને વિધાનસભા-લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને નાણાકીય મદદરૂપ કરવામાં સક્ષમ રહી નથી. ઘણાં સક્ષમ ઉમેદવારોએ ખુદ ચૂંટણી ખર્ચ ભોગવવો પડ્યો હતો. ભાજપ સામે રાજકીય રીતે બાથ ભીડવા પૈસાના અભાવે કોંગ્રેસ અસક્ષમ સાબિત થઇ છે.
કોંગ્રેસ શહેર-જીલ્લા કક્ષાએ ફંડ ઉઘરાવશે
હવે જ્યારે નાણાકીય ભંડોળ એકત્ર કરવા યોજના અમલમાં મૂકાવવા જઇ રહી છે ત્યારે શહેર અને જીલ્લા કક્ષાએ ફંડ ઉઘરાવાશે.વધુમાં વધુ ભંડોળ એકત્ર થાય તે માટે કોંગ્રેસ હાઇકમાન્ડ પ્લાનિંગ કરી રહ્યું છે. હાઇકમાન્ડનો આદેશ થતાં જ ટૂંક સમયમાં જ નવી યોજના ગુજરાત સહિત બધાય રાજ્યોમાં અમલમાં મૂકાશે.