
દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન, વિપક્ષ નેતા રાહુલ ગાંધી સાથે ગુજરાત જિલ્લા પ્રમુખો સાથે ખાસ બેઠક યોજાશે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના 33 જિલ્લા પ્રમુખ અને 10 શહેર પ્રમુખ ભાગ લેશે. ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિપક્ષ નેતા અમિત ચાવડા દિલ્હીની બેઠકમાં ખાસ હાજરી આપશે.
આ બેઠકો નવી દિલ્હીમાં ત્રણ બેચમાં યોજાશે
ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ફોકસ ગુજરાત કોંગ્રેસ હવે પોતાના સંગઠનને મુજબૂત કરવા માટે વિચારી રહી છે ત્યારે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ દેશભરના ૭૦૦ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો સાથે ૩ દિવસની બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકો નવી દિલ્હીમાં ત્રણ બેચમાં યોજાશે.
પાર્ટી ગુજરાતમાં જનતા સાથે જોડાવામાં નિષ્ફળ ગઈ- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ એક નિવેદનમાં સ્વીકાર્યું હતું કે પાર્ટી ગુજરાતમાં જનતા સાથે જોડાવામાં નિષ્ફળ ગઈ છે, અને તેનું કારણ નેતૃત્વમાં વિભાજન હોવાનું જણાવ્યું. "આપણા નેતૃત્વનો એક ભાગ લોકોનો આદર કરે છે અને ગુજરાતના મૂલ્યોને સમજે છે. બીજો ભાગ અલગ અને સમાધાનકારી છે. રાહુલ ગાંધીએ એ સમયે જણાવ્યું હતું કે આ બાબતે નિર્ણાયક પગલાં લેવા જોઈએ. જો જરૂરી હોય તો 20 થી 40 નેતાઓને હાંકી કાઢવાની હાકલ પણ કરી હતી. "ચૂંટણી જીતવી કે હારવી એ ગૌણ બાબત છે. ખરેખર મહત્વનું એ છે કે કોંગ્રેસ એવા લોકોના નેતૃત્વ હેઠળ રહે જે તેના મૂળ મૂલ્યોને જાળવી રાખે છે," તેમણે કહ્યું.
ભાજપના શાસનની ટીકા કરી
ભારતના સ્વતંત્રતા ચળવળમાં ગુજરાતના વારસાનો ઉલ્લેખ કરતા, ગાંધીએ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા નેતાઓના યોગદાન પર પ્રકાશ પાડ્યો. તેમણે ભાજપના શાસનની ટીકા કરી, દાવો કર્યો કે તેણે રાજ્યને દિશાહીન છોડી દીધું છે અને દલીલ કરી કે કોંગ્રેસ પોતાને એક સક્ષમ વિકલ્પ તરીકે રજૂ કરવામાં નિષ્ફળ ગઈ છે.