
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રમાં પ્રશ્નોતરી કાળ ચાલી રહ્યો છે. વિધાનસભામાં લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના પ્રશ્નો અંગે ચર્ચા થઇ હતી. નાગરિક ઉડ્ડયન, શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગારને લગતા પ્રશ્નો પણ ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવ્યા હતા. જુદી જુદી સમિતિના અહેવાલ અને હિસાબો અંગેની સમીક્ષાના કાગળ વિધાનસભાના મેજ પર મુકવામાં આવ્યા છે. બજેટમાં પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાનનો નવમો દિવસ છે.
સરકારે 61 કરોડ 97 લાખ હેલિકોપ્ટર પાછળ ખર્ચ્યા
સરકારે ધારાસભ્ય કાંતિ ખરાડીના સવાલનો જવાબ આપતા જણાવ્યું કે, સરકારે 61 કરોડ 97 લાખ 63 હજાર 462 રૂપિયા વિમાનના ભાડા, પાર્કિંગ, પાયલોટ અને મેઇનટેનન્સ પાછળ વાપર્યા છે. 1 ફેબ્રુઆરી 2023થી 31 ફેબ્રુઆરી 2024 સુધી એક જ વર્ષમાં 23 કરોડ 38 લાખ 89 હજાર 452 રૂપિયાનો ખર્ચ થયો છે. 1 ફેબ્રુઆરી 2024થી 31 જાન્યુઆરી 2025 સુધી 38 કરોડ 58 લાખ રૂપિયા હેલિકોપ્ટરના મેઇનટેનન્સ, પાર્કિંગ, ભાડુ, પાયલોટ અને અન્ય સ્ટાફ પાછળ ખર્ચ થયો છે.
હેલિકોપ્ટર ખરીદી મુદ્દે કાંતિ ખરાડીએ પૂછ્યો પ્રશ્ન
દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ગૃહમાં હેલિકોપ્ટર ખરીદી અંગે પ્રશ્ન પૂછ્યો હતો. સરકારે હેલિકોપ્ટર ખરીદી માટે 61 કરોડ 97 લાખ 64 હજાર 422 રૂપિયા ફાળવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. તે બાદ વિપક્ષે હેલિકોપ્ટર ખરીદી મુદ્દે પ્રહાર કર્યા હતા. દાંતાના ધારાસભ્યએ કહ્યું કે,વર્ષે આ આંકડો છે, ગામડામાં વસતા ગરીબ લોકો ઘર-આરોગ્ય મળે તેવી માંગ કરી રહ્યાં છે. સરવાળે સરકાર જનતાના પૈસે તાગડધિન્ના જ કરે છે.