
ગાંધીનગર: થોડા દિવસ પહેલા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ગુજરાતી લોકસંગીતના કલાકારોને વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રણ આપ્યું હતું અને સન્માન કર્યું હતું. જો કે આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત ફિલ્મ જગતના સુપર સ્ટાર મનાતા વિક્રમ ઠાકોરને આવું કોઈ આમંત્રણ મળ્યું નહતું જેને લઈને તેમને વિરોધ દર્શાવ્યો હતો.
વિક્રમ ઠાકોરે કહ્યું કે, 'મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારોને તમે ના બોલાવ્યા. હું મારા સમાજના મોટા નેતાઓને કહીશ કે, તમે આ નોંધ ન લીધી હોય તો લેજો અને આગળ આવું ન થાય તેનું ધ્યાન દોરજો. ઠાકોર સમાજના અનેક લોકોના મને ફોન આવ્યા છે. ઠાકોર સમાજ બહુ મોટો છે અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક પક્ષને સપોર્ટ કરે છે. બસ એટલી જ વિનંતી કરવા માંગું છું સરકારને કે, આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના મોટા કલાકારોને તમે બોલાવો એ બહુ સારી વાત છે, હું અભિનંદન પાઠવું છું કે અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું પરંતુ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યા....'
વિક્રમ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ બોલાવી
ગુજરાટી ફિલ્મ જગતના સુપર સ્ટાર મનાતા વિક્રમ ઠાકોરે આજે ગાંધીનગરમાં પોતાની ઓફિસ પર પ્રેસ સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહ્યા છે. રાજ્ય સરકારના ઘણા કાર્યક્રમ હોય એમાં ઠાકોર સમાજના દીકરા દીકરી હોતા નથી. ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને આમંત્રણ આપવામાં આવ્યું નથી. કલાકારની કોઈ જ્ઞાતિ નથી હોતી, સારા કલાકારો દરેક સમાજમાં છે. સરકારને એટલી જ વિનતી છે કે દરેક સમાજના કલાકારોને બોલાવો. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અમુક કલાકારોને બોલાવ્યા એવું મને જાણવા મળ્યું છે. ઠાકોર સમાજને સરકારી કામ નહીં મળે તો કોઈ ઠાકોર સમાજનો વ્યક્તિ ભૂખ્યો નહિ મરે. સમાજ જે નક્કી કરશે એ અમે કરીશું. દરેક સમાજના કલાકારો મારા સમર્થનમાં આવ્યા છે. મારે પોલિટિક્સ કરવું હોત તો મને 2007માં મોદી સાહેબ મળ્યા અને મને પોલિટિક્સમાં જોડાવવા માટે કહ્યું હતું. હમણાં હું રાજકારણમાં જોડાવાનો નથી. હું સામાન્ય માણસ છું, હું લડવાવાળો માણસ નથી. ખેડૂત એક રક્ષણ નામની ફિલ્મ બનાવી એમાં સરકારે મને એવોર્ડ નથી આપ્યો. ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સમાજ માટે બોલવું જોતું હતું.”