
ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે પક્ષ-વિપક્ષ દ્વારા આરોપ- પ્રત્યારોપનો દૌર પણ ચાલુ છે. આજે વિધાનસભા સત્રમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્યના સંબોધન પર ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી જે દરમિયાન આજે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજ્યની ભાજપ સરકારને આડે હાથ લેતા આકરા પ્રશ્નો પૂછ્યા હતા.
વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વિધાનસભા સત્રમાં અમરેકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓને લઈને સવાલો કરતા કહ્યું હતું કે, મેક્સિકોની બોર્ડર ઉપર દેશના યુવાનો કેમ જાયે છે?, અમેરિકાથી ડિપોર્ટ કરેલા યુવાનો માફિયાને વાત નકારી શકે તે કેટલી યોગ્ય?, કબૂતરબાજીમાં કેટલાક યુવાનો ગોળી ખાવા મજબુર બન્યા છે? આ તમામ વિગતો સાથે ગુજરાતમાં બેરોજગાર લોકોના આંકડા જાહેર કરવામાં આવે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ માટે PM મોદીએ લાલ જાજમ બિછાવી છતાં ટ્રમ્પ બધાને ભારત પરત મોકલી રહ્યા છે. આપણા નાગરીકો સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વિધાનસભા સત્રમાં અમરેલી દુષ્કર્મ, ખનીજ માફિયાઓ અને દુષ્કર્મના આરોપી ભાજપ ધારાસભ્યને લઈને પણ સવાલો કર્યા હતા. તેમણે પૂછ્યું હતું કે, ગુજરાતને લૂંટી રહેલા ખનીજ માફિયા સામે ગુજસીટોકનો ગુન્હો લગાવશે? અમરેલીના શિક્ષકે બાળકી સાથે દુષ્કર્મ કર્યું તે ઘટના સામે આવી છે. દુષ્કર્મના આરોપી ભાજપ ધસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની પણ હજી સુધી ધરપકડ કરાઈ નથી. બળાત્કારના આરોપી ભાજપના ધારાસભ્યની વિધાનસભા પૂર્ણ થાય ત્યાં સુધી ધરપકડ કરીને બતાવો. ગુજરાતની માતા, બહેનો કેવી રીતે સુરક્ષિત હોય જેમાં ભાજપના ધારાસભ્ય જ આવા કામ કરતા હોય તો.
દક્ષિણની ફિલ્મોમાં ના થાય તેવું ગુજરાતના વહીવટી તંત્રમાં થાય છે. નકલી કોર્ટ, નકલી પીઆઈ અને નકલી કચેરી મળે છે. યુવતી સાથે દુષ્કર્મ છતાં ફરિયાદ ફાડી નાખવામાં આવે છે. ફરિયાદ ફાડી નાંખનાર પોલીસકર્મીઓ સામે ફરીયાદ ન કરી માત્ર ખાતાકીય તપાસ થઈ રહી છે. ગરીબ લોકોના મકાન તોડી પાડવામાં આવે છે.