
ભાજપ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે રાજ્યભરમાં ચકચારી મચાવનાર અમરેલી કાંડના પ્રશ્ન પૂછનાર કોંગ્રેસના ધારાસભ્યો અને જવાબ આપનાર ગૃહ રાજ્ય મંત્રી ગૃહમાં ગેરહાજર રહ્યા હતા.
ધારાસભ્ય ગૃહમાં ગેરહાજર રહ્યા
ગુજરાત વિધાનસભામાં આજે અમરેલી લેટરકાંડ પ્રશ્નોતરીમાં પડઘાયો હતો, અંદાજે 10 જેટલા પ્રશ્નોમાં અમરેલી લેટરકાંડ ઉજાગર થયો હતો. પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન ક્રમાંક 5,47, 58, 69, 70, 77 અને 79 પ્રશ્નમાં અમરેલી લેટર કાંડ મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. જેમાં પ્રશ્ન ચર્ચામાં આવે તે સમયે ધારાસભ્ય ગૃહમાં ગેરહાજર રહ્યા હતા.
લેટરકાંડ બાબતે પોલીસ ફરિયાદ કયારે કરવામાં આવી
ગૃહમાં તારાંકીત પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે 31 જાન્યુઆરી 2025ની સ્થિતિએ અમરેલી જિલ્લામાં છેલ્લા છ માસમાં આક્ષેપો કરતા લેટરકાંડ બાબતે પોલીસ ફરિયાદ કયારે કરવામાં આવી છે. ઉકત સ્થિતિએ લેટરકાંડમાં પોલીસ તંત્ર દ્વારા જવાબદાર ઈસમોની ક્યારે ધરપકડ કરવામાં આવી, ઉકત સ્થિતિએ લેટરકાંડમાં પત્રની એફ.એસ.એલ. તપાસ કરવામાં આવી છે કે કેમ? અને જો હા, તો ઉકત એફ.એસ.એલ.ના રીપોર્ટ અંતર્ગત સરકારે શી કાર્યવાહી હાથ ધરેલ છે?
રાત્રિના સમયે મહિલાની ધરપકડ કરવામાં આવી નથી
જેમાં સરકારે જવાબ રજૂ કર્યો છે અને કહ્યું કે 28 ડિસેમ્બર 2024ના રોજ ફરિયાદ નોંધવામાં આવી. એ જ દિવસે ધરપકડ કરવામાં આવી જેની તપાસ હાલ ચાલુ છે. જ્યારે ધારાસભ્ય ડો તુષાર ચૌધરીના પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ આપ્યો કે આ કેસમાં 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને રાત્રિના સમયે મહિલાની ધરપકડ કરવામાં આવી નથી.
રાજ્ય સરકાર દ્વારા આ કેસમાં કેટલાક મહત્વના પગલાંઓ લેવામાં આવ્યા છે. જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની તાત્કાલિક બદલી કરી છે. જેમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ અમરેલીના પીઆઈ એ.એમ. પટેલની બદલી કચ્છ પશ્વિમ ભુજ ખાતે, સાયબર ક્રાઇમ અમરેલીના પીઆઈ એ.એમ. પરમારની બદલી વડોદરા શહેર ખાતે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ અમરેલીના પીએસઆઇ કુસુમબેન પરમારની બદલી વડોદરા ગ્રામ્ય ખાતે કરવામાં આવી છે.
અમરેલીના લેટરકાંડ મામલે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે પાયલ ગોટી જેલથી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં પાયલે કહ્યું હતું કે, તેને પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા હતા. ત્યારે પાયલ ગોટીના પોલીસ સામેના આક્ષેપોને લઈને સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં ડીવાયએસપી એ.જી.ગોહિલ, મહિલા પીઆઈ . આઇ.જે. ગીડા, મહિલા પીએસઆઇ એચ.જે.બરવાડીયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સુરતની 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખી પાયલ ગોટી પર લાગેલા આરોપ પર જાહેરમાં ખુલાસો કરવા માંગ કરી હતી.