મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાને ચૂંટણી લડવાનો ખુલ્લો પડકાર ફેંક્યો હતો, જેને ઈટાલિયાએ સ્વીકારી લીધો હતો. આ પડકારના ભાગરૂપે, કાંતિ અમૃતિયા 150 ગાડીઓના કાફલા સાથે મોરબીથી ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા છે, જ્યાં તેઓ ગોપાલ ઈટાલિયાની 30 મિનિટ રાહ જોશે. અમૃતિયાએ જણાવ્યું છે કે જો ઈટાલિયા હાજર રહેશે, તો બંને સાથે રાજીનામું આપશે અને મોરબીમાં ફરી ચૂંટણી લડશે. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે, અને મોરબીની જનતા આ રાજકીય નાટકના આગળના વળાંકની આતુરતાથી રાહ જોઈ રહી છે. મળતા અહેવાલ પ્રમાણે AAPના નેતા ગોપાલ ઈટાલિયાનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે.
ગોપાલ ઇટાલિયાના રાજીનામાનો સવાલ જ નથી:ઇસુદાન ગઢવી
ચેલેન્જ વોર વચ્ચે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે 'હું વિસાવદરની જનતાને કહેવા માગું છું કે ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના. વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયા હાલ મજબૂતાઇથી કામ કરી રહ્યા છે અને ગામડે-ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનશે. ગોપાલભાઇના રાજીનામાની વાત જ થઇ ન હતી, ભાજપ ખોટો ભ્રમ ફેલાવે છે. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે અને ગોપાલભાઇ વિસાવદરની જનતા માટે મજબૂતાઇથી કામ કરશે. ગોપાલભાઇ ઇટાલિયા કોઇપણ સંજોગોમાં રાજીનામું આપશે નહી.
શું હતો સમગ્ર મામલો, કેવી રીતે શરૂ થયું ચેલેન્જ વોર
મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું હતું કે 'જો ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે! જો હું હારી જઇશ તો 2 કરોડ રૂપિયા આપીશ.' તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જનો સ્વીકારતાં કરતાં રાજીનામાની શરત મૂકી હતી.
'પાટીલ અંકલને પૂછ્યા વિના રાજીનામું આપી દો'
આ અંગે ઈટાલિયાએ એક શરતની વાત કરતા કહ્યું કે, ‘મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા ના જતા. પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઇ ગયું છે, હવે હું રાજીનામું આપુ કે ન આપું. અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નઇ. પાટીલને પૂછ્યા વગર જ તમારા તમારામાં હિંમત હોય, તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી.આર. પાટીલની પરમિશન લીધા વગર મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં તમે રાજીનામું આપી દેજો.’
ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાના પડકારનો હસતાં મોઢે સ્વિકાર કરતાં એક વીડિયો બનાવ્યો હતો. તેમાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે મેં ગઇકાલે મોરબીના ધારાસભ્યનો વીડિયો જોયો તેમાં મોરબી ભાજપના ધારાસભ્ય કહે છે કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મારી સામે ચૂંટણી લડવા આવી જાય. હું રાજીનામું આપી દઇશ અને 2 કરોડ રૂપિયા ઇનામ રૂપે આપીશ. તો મોરબીના ધારસભ્યએ આપેલી આ ચેલેન્જને સહર્ષ રાજીખુશીથી આ સ્વીકારી લઇએ છીએ. શૂર બોલ્યા ન ફરે... જો તમે શૂરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોવ, જબાનના પાક્કા માણસ હોવ... તો આજે 10 તારીખ થઇ છે, મોડામાં મોડું 12 તારીખે 12 વાગ્યા સુધી તમારું રાજીનામું પડી જવું જોઇએ. ગોપાલ ઇટાલિયા વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે