
સમગ્ર ગુજરાત રાજ્ય, રાજકારણ, સોશિયલ મીડિયા અને મીડિયામાં ચર્ચાનો વિષય બનેલા ગુજરાતી કલાકારોને વિધાનસભામાં આમંત્રણ નહીં આપવાનો મુદ્દે આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં પણ ગાજ્યો હતો. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકારને રજૂઆત કરી હતી કે રાજ્યની સરકાર દ્વારા કલાકારો સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે.
વિધાનસભા અધ્યક્ષે કર્યો ખુલાસો
તેમણે જણાવ્યું કે ચલચિત્રોના કલાકારો હોય, અન્ય કલાકારો હોય એમને પારિતોષિક આપવામાં તો ભેદભાવના અનેક વખત આક્ષેપો થયા તો સન્માન કરવામાં કે બોલાવવામાં પણ ભેદભાવ થાય અને એના માટે કોઇ કલાકારોએ જાહેરમાં પત્રકાર પરિષદ કરવી પડે. કોઇ કલાકારોએ જાહેરમાં મંચ પરથી ભાષણો કરવા પડે, ચોક્કસ સમાજના લોકોને, ચોક્કસ વર્ગના લોકોને, ચોક્કસ વિસ્તારના કલાકારોને ભેદભાવનો ભોગ બનવું પડે છે. એમને બોલાવવામાં આવતા નથી.
જ્યારે આ મુદ્દે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ દ્વારા અમિત ચાવડાને જણાવવામાં આવ્યું હતું કે ચલચિત્રોના કલાકારોને બોલાવવાના બાકી છે, એમને આમંત્રણ આપવામાં આવશે.
સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું હતું
ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે 'કલાકારોની કોઇ જ્ઞાતિ હોતી નથી. આ અચાનક ઉભો થયેલો પ્રસંગ હતો, અચાનક યાદ આવ્યું એટલે આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જેટલા કલાકારો યાદ આવ્યા તેમને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું. કોઇ વ્યક્તિ વિશેષ કે કોઇ જાતિ વિશેષ કાર્યક્રમ ન હતો. અચાનક કરાયેલા આયોજનના લીધે ભૂલાઈ ગયા હશે'.
શું હતો સમગ્ર મામલો?
ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને બોલાવવામાં ન આવતા અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.
મારા સમાજના કોઈ કલાકારોને તમે ના બોલાવ્યા
વિક્રમ ઠાકોરે કહ્યું કે, 'મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારોને તમે ના બોલાવ્યા. હું મારા સમાજના મોટા નેતાઓને કહીશ કે, તમે આ નોંધ ન લીધી હોય તો લેજો અને આગળ આવું ન થાય તેનું ધ્યાન દોરજો. ઠાકોર સમાજના અનેક લોકોના મને ફોન આવ્યા છે. ઠાકોર સમાજ બહુ મોટો છે અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક પક્ષને સપોર્ટ કરે છે. બસ એટલી જ વિનંતી કરવા માંગું છું સરકારને કે, આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના મોટા કલાકારોને તમે બોલાવો એ બહુ સારી વાત છે, હું અભિનંદન પાઠવું છું કે અમારા કલાકારોનું તમે આટલું સન્માન કર્યું. પરંતુ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એને બોલાવવાનું તમે ચૂક્યા....'