
Gujarat Farmer Died by Lightning During Unseasonal Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ વરસ્યો છે. એવામાં કમોસમી વરસાદે અમદાવાદના ખેડૂતનો જીવ લીધો છે. અમદાવાદના વિરમગામમાં વીજળી પડતાં ખેડૂતનું મોત નિપજતાં સમગ્ર ગ્રામજનો તેમજ કુટુંબીજનોમાં શોકનો માહોલ છવાયો છે.
શું હતી ઘટના?
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામમાં ખેડૂત મંગાજી ઠાકોર વરસાદ આવતો હોવાના કારણે ખેતરમાં પાકને તાડપત્રીથી ઢાંકવા જઈ રહ્યાં હતાં. આ દરમિયાન આકાશમાંથી મોતના સ્વરૂપે વીજળી સીધી ખેડૂત ઉપર પડી. જેના કારણે ખેડૂતનું મોત નિપજ્યું હતું. હાલ ખેડૂતના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોસ્ટ મોર્ટમ બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે.
કમોસમી વરસાદની આગાહી
નોંધનીય છે કે, રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં રવિવારે વહેલી સવારથી જ આગાહી અનુસાર, રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું હતું. વહેલી સવારથી જ અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. ખેડૂતોને ઉનાળું પાકમાં ભારે નુકસાનની આશંકા છે. આ સિવાય ઉનાળામાં કેરીના રસિકોને પણ વરસાદના કારણે સારી કેરી મળી શકશે નહીં.
એવામાં ચાલો જાણીએ રાજ્યભરની સ્થિતિ શું છે?
અમદાવાદમાં વહેલી સવારથી ભારે વરસાદ
અમદાવાદમાં રવિવારે (ચોથી મે) વહેલી સવારથી કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પણ પડ્યા છે. જેમાં સીધું ભવન રોડ, વાડજ, નિર્ણયનગર, દૂધેશ્વર, ઉસ્માનપુરા અને ઇન્કમટેક્સ વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો છે. બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ વહેલી સવારે ગાજવીજ અને પવન સાથે માલપુર, મોડાસા, મેઘરજ, ભિલોડા પંથકમાં વરસાદ પડી રહ્યો છે.
બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ
બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન પાલનપુર, વડગામમાં પવન સાથે કરાંવૃષ્ટિ થયાની માહિતી મળી છે. જ્યારે ડીસા, લાખાણી અને દાંતીવાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. હાલમાં બાજરીનો પાક લેવાયેલો હોવાથી તેને કમોસમી વરસાદને પગલે નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. બીજી બાજું પાલનપુરમાં કમોસમી વરસાદના કારણે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતાં. અડધી રાત્રે વરસાદને લીધે રેલવે ફાટક પાસે આવેલા ખોડિયારનગર વિસ્તારમાં લગ્નનો માંડવો તૂટી પડયો હતો. તેમજ ઠેર-ઠેર પાણી ભરાઈ જતા લોકોમાં રોષ ફેલાયો હતો.
મહેસાણામાં ભરઉનાળે કમોસમી વરસાદ
મહેસાણામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. મોડી રાતે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. વડનગરમાં પણ અચાનક ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યારે મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર જ મહિસાગર જિલ્લામાં વરસાદનું આગમન થયું હતું. અહીં ખાનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા.
વિસનગરમાં વીજ પુરવઠો ખોરવાયો
આ સિવાય વિસનગરમાં પવનના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. શોર્ટ સર્કિટ થવાથી વીજળીના ભારે તણખા ઊડતા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતાં.