આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થયા છે. ત્યારે ગીર સોમનાથનાં કોડીનાર ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત થઇ છે. જીત બાદ ભાજપ દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતુ. જે બાદ એક જાહેર સભા યોજવામાં આવી હતી. આ જાહેરસભામાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ જાહેરસભામાં કલેક્ટરને ખખડાવ્યા હતા.
કોડિનાર ભાજપની જાહેરસભામાં પૂર્વ સાસંદ દિનુભાઇ સોલંકીએ ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર નામજોગ આક્ષેપ લગાવ્યા છે. પૂર્વ સાસંદ દિનુભાઇ સોલંકીએ કલેક્ટરને પડકાર ફેંકતા કહ્યું કે, ‘મારુ જે કોઇપણ ગેરકાયદેસર હોય તે તમારાથી થાય તે કરી લો. હું તમને આજેપણ નહિ અને કાલે પણ નહિ મુકું. હું પ્રજાનો પ્રતિનિધિ છું અને કાયમી રહેવાનો છું.’
પૂર્વ સાસંદ દિનુભાઇ સોલંકીએ આ જાહેરસભામાં જીલ્લા એસપી મનોહરસિંહ જાડેજા તથા પોલીસના ભરપુર વખાણ કર્યા હતા. તેમને વધુમાં કહ્યું હતું કે, ‘ભલે મારે રાજકારણ અને જાહેરજીવન મુકવા પડે પણ ભ્રષ્ટાચારને ઉજાગર કરીને ઝંપીશ. પહેલા મહમદ ગઝનવીએ આપણાં સોમનાથને લૂંટ્યું અને હવે કલેક્ટર લૂંટે છે.’ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનું નામ લઈને કહ્યું ‘આ કલેક્ટર મોટો ભ્રષ્ટ્રાચારી છે. ગુજરાત અને કેન્દ્ર સરકારમાં પણ હું રજૂઆત કરવાનો છું. ’